કોલ સેન્ટર મામલે વિશાલ પંડ્યાના કહેવાથી કરણ ભટ્ટનું અપહરણ કર્યું હોવાનો ખુલાસો

6

અમદાવાદના ઘોડાસરમાં રહેતા કરણ ભટ્ટ પાસે ૧ કરોડની ખંડણી માગવાના કેસમાં કોલ સેન્ટરના પૈસાની લેતીદેતીમાં અને ધંધાની હરીફાઈ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગોવા રબારીના ૧૨ સાગરિતોએ કોલ સેન્ટરના બેતાજ બાદશાહ ગણાતા વિશાલ પંડ્યાના કહેવાથી કરણ ભટ્ટનું અપહરણ કર્યું હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. કારણ કે કરણ ભટ્ટ પણ કોલ સેન્ટર જ ચલાવતો હતો. આથી બંને વચ્ચે પૈસાની લેતીદેતી મામલે ઝઘડો ચાલતો હતો. તેના કારણે વિશાલે ગોવા રબારી ગેંગને સોપારી આપી હતી.

આ કેસમાં પોલીસે હજુ સુધી ૫ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે સાત આરોપીઓ હજુ સુધી ફરાર છે.પોલીસે આરોપીઓ પાસેથી રિકવર કરેલી ૧૬ લાખની સોનાની ચેઈન પણ ગોવા રબારીની પત્નીના ઘરેથી મળી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ૪ મહિનાથી કરણ ભટ્ટનું કોલ સેન્ટર બંધઝ છે. કરણ અને વિશાલ પંડ્યાનો કોમન ફ્રેન્ડ રવિ રામી હોવાથી તેની જોડે લુખ્ખાઓએ હવાલો લીધા બાદ કરણ ભટ્ટને છોડી ફરાર થઈ ગયા હતા.

કોલ સેન્ટરમાં સાયબર ક્રાઈમે અગાઉ સેટેલાઈટમાંથી વિશાલ પંડ્યાની ધરપકડ કરી હતી. ત્યારબાદ દોઢ મહિના પહેલાં વસ્ત્રાલમાં તલવારથી કેક કાપીને વિશાલે જ વીડિયો વાઈરલ કર્યો હતો. ઓઢવના એક ડાયરામાં લાખો રૂપિયા ઉડાવતો જોવા મળ્યો હતો. તે વસ્ત્રાલમાં રહે છે. વિશાલ કોલ સેન્ટરની કાળી કમાણીથી લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવવા માટે ટેવાયેલો છે. તેમજ રેન્જ રોવર અને અન્ય મોંઘીદાટ કારો લઈને રોલો મારતો જોવા મળે છે.