કોરોનાના વધતા કેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સતર્ક થઇ ગઇ છે. એકબાજુ અનલૉક-૫ની નવી ગાઇડલાઇન જાહેર થઇ છે, ત્યારે કેરાલામાં રાજ્ય સરકારે કેટલાક કડક પગલા ભર્યા છે. ગુરુવારે રાત્રે કેરાલા સરકારે એક આદેશ જાહેર કરીને એક જગ્યાએ પાંચથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નવો આદેશ ૩ થી ૩૧ ઓક્ટોબર સુધી લાગુ રહેશે.
નવા આદેશો સોશ્યલ ડિસ્ટન્સિંગને કડકાઇથી અમલ કરાવવા માટે લાગુ કરવામાં આવ્યા છે, અને આ માટે તંત્રએ આઇપીસીની કલમ ૧૪૪ લાગુ કરવાનો નિર્દેશ આપી દીધો છે. આદેશ અંતર્ગત જિલ્લાધિકારીઓને કોરોના ફેલાતો રોકવા માટે કલમ ૧૪૪ લાગુ કરવાની આઝાદી રહેશે.
કેરાલામાં ગુરુવારે કૉવિડ-૧૯ના ૮,૧૩૫ નવા કેસો સામે આવ્યા, આની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને બે લાખથી વધુ થઇ ગઇ,જ્યારે ૨૯ વધુ લોકોના મોત પણ થયા છે, અને મૃતકોની સંખ્યા ૭૭૧ થઇ ગઇ છે. કેરાલામાં વધતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે. સાત મહિના પહેલા રાજ્યમાં પહેલો કોરોનાનો દર્દી મળ્યો હતો, જે વુહાનથી પરત ફરેલી એક મેડિકલ વિદ્યાર્થીની હતી.