કોરોનાને પગલે રાજ્યમાં પેરામેડિકલ સ્ટાફની દિવાળી રજાઓ કરાઈ રદ

46

કોરોનાને પગલે સરકારે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો તેમજ સંલગ્ન હોસ્પિટલો અને ગવર્મેન્ટ ઓટોનોમસ ઈન્સ્ટિટયુટસમાં વર્ગ ૧ અને ૨ના શૈક્ષણિક સંવર્ગના અધિકારીઓનું દિવાળી વેકેશન રદૃ કર્યુ છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા તમામ કોલેજો-સંસ્થાઓના વડાઓને પરિપત્ર કરી દિવાળી વેકેશન રદ કરવાની સૂચના આપી દીધી છે.

જેથી દિવાળીની રજાઓ દરમિયાન સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો દર્દીઓની સેવામા ખડે પગે રહેશે. ગુજરાત યુનિ.સહિતની સરકારી યુનિ.ઓ દ્વારા સંલગ્ન મેડિકલ કોલેજો-સંસ્થાઓને ટીચીંગ સ્ટાફ માટે બે તબક્કામાં એક મહિના જેટલુ દિવાળી વેકેશન આપી દેવાયુ હતુ.

પરંતુ અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ દ્વારા સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્રોફેસરો-ડોક્ટરો માટે વેકેશન અપાયુ ન હતુ.જ્યારે કેટલીક સંસ્થાઓએ વેકેશન આપી દીધુ હતુ.જેને પગલે વિવાદ પણ થયો હતો. બીજી બાજુ મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરી દિવાળી રજાઓ આપવા માંગ કરાઈ હતી. પરંતુ કોરોનાના કેસો વધી રહૃાા હોઈ અને બીજી બાજુ દિવાળી વેકેશન દરમિયા પ્રાઈવેટ હોસ્પિટલો-દવાખાનાઓમાં ડોક્ટરો ન મળવાની સ્થિતિમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધે તેમ છે.

જેથી કોવિડ સાથે નોન કોવિડ સારવાર ન ખોરવાય અને ૨૪ કલાક દર્દીઓને સારવાર મળી રહે તે માટે સરકારે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો -સંલગ્ન હોસ્પિટલોમાં ટીચીંગ સ્ટાફ-ડોક્ટરોનું દિવાળી વેકેશન રદ કર્યુ છે. અમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરત,ભાવનગર,જામનગર સહિતની સરકારી મેડિકલ કોલેજોના ડીન તથા અમદાવાદ સહિતની સંલગ્ન સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો તેમજ પેરામેડિકલ કોલેજો અને નર્સિંગ કોલેજોના આચાર્યોને સૂચના આપવામા આવી છે કે વર્ગ ૧થી૨ના શૈક્ષણિક સંવર્ગના અધિકારીઓને મળવાપાત્ર દિવાળી વેકેશન રદ કરવામા આવે છે.