કોરોનાકાળમાં સેંકડો વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ગુનાહિત ચેડાનું પુનરાવર્તન

8

સીટી બસો અને શાળાઓની વેનમાં ઘેટા-બકરાની જેમ ભરી દેવાતા વિદ્યાર્થીઓ, જવાબદાર કોણ?

શાળા સંચાલકોને ફી સિવાય કોઇ ચીજની પરવાહ નથી, વાલીઓ ધ્યાન આપે

કોરોનાની મહામારી હજુ બીલકુલ કાબુમાં આવી નથી અને ખતમ પણ થઇ શકી નથી. ત્યાં તો કોરોનાની મહામારીને ભુલી જઇને શાળાઓના બાળકોની વેન અને સીટી બસોમાં એવી રીતે હેરફેર શરૂ કરી દેવામાં આવી છે. જાણે રાજકોટમાં કોઇ બીમારી છે જ નહીં. અહીં આપેલી તસ્વીરો આપણને ચોકાવી દેવા માટે પુરતી છે. સીટી બસોમાં અને સ્કુલના બાળકોની ફેરી કરતી વેનમાં ઘેટા-બકરાની જેમ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. ખુલે આમ કોરોનાના નિયમો અને સાવચેતીનો ભંગ કરવામાં આવી રહયો છે. નવાઇની વાત એ છે કે, સામાન્ય માનવી જે સ્કુટર કે રીક્ષા લઇને જતો હોય એ સહેજ પણ ભુલ કરે તો ઘરે ઇ-મેમો પહોંચી જતો હોય છે. ત્યારે પોલીસના સીસીટીવી કેમેરામાં શું વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરાયેલી બસો અને સ્કુલ વેનના દ્રશ્યો ઝડપાતા નથી કે પછી લાજ કાઢવામાં આવી રહી છે.? આ સવાલનો જવાબ પોલીસ અને જવાબદાર સરકારી વિભાગોએ આપવાનો રહે છે. કોરોનાની મહામારી ફરીથી ઉછાળો મારવા લાગી છે. પરંતુ સ્કુલ સંચાલકોને તેની કોઇ પરવાહ દેખાતી નથી. વેનમાં નિયમ મુજબ અડધી સંખ્યામાં જ વિદ્યાર્થીઓને બેસાડવા જોઇએ. પરંતુ એ નિયમનો વેન ચાલકો ખુલ્લે આમ ભંગ કરી રહયા છે અને કાયદા તંત્રને પડકાર ફેંકી રહયા છે. આવા જ દ્રશ્યો શહેરમાં ચાલતી સીટી બસોમાં જોવા મળે છે. અહીં પણ શાળા કોલેજો છૂટે ત્યારે વિદ્યાર્થી ભાઇઓ-બહેનોથી બસોને ભરચક કરી દેવામાં આવે છે અને કોરોના સંક્રમણની ભીતીની ઐસીતૈસી કરી નાખવામાં આવે છે. જવાબદારો સામે કોઇ પગલા લેવાશે ખરા? કે સીસીટીવી પણ આડું જોઇ જશે અને આંખ મીંચી લેશે? શાળાઓના સંચાલકોની બેદરકારી વિશે તો મીડિયા લખી લખીને થાકી ગયું છે. પણ મગરની ચામડી ધરાવતા શાળા સંચાલકોને કોઇ ફરક પડતો નથી. એમને બાળકોના આરોગ્ય નહીં તગડી ફીથી તીજોરી ભરવા સીવાય કોઇ મુદ્ામાં રસ હોતો નથી.