કોંગ્રેસનાં હારેલા ઉમેદવારના ઘરે હુમલો, ત્રણને માર માર્યો, ૪ વાહનોમાં તોડફોડ

8

દાહોદમાં ચૂંટણીની અદાવતમાં ધીંગાણું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ છે. પણ ચૂંટણીમાં અંગત અદાવતને કારણે હવે હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે. ઘોઘામાં સરઘસ બાદ એક દલિત આધેડની હત્યા બાદ હવે દાહોદના વરમખેડામાં ચૂંટણીની અદાવતમાં ધીંગાણાની ઘટના સામે આવી છે. જેમાં ટોળાંએ હારેલા ઉમેદવારના ઘર પર હુમલો કર્યો હતો. અને ત્રણ લોકોને માર મારી ચાર જેટલાં વાહનોમાં તોડફોડ પણ કરી હતી.

દાહોદના વરમખેડામાં કોંગ્રેસથી બાલીબેન બારીયા વરમખેડાથી તાલુકા પંચાયતની ચૂંટણી લડતા હતા. પણ તેઓ ભાજપના ઉમેદવાર ભીમાભાઈ પરમાર સામે હારી ગયા હતા. જીત બાદ ભીમા પરમારે વિજય સરઘસ કાઢ્યું હતું. અને તેણે બાલીબેનના ઘર આગળથી પસાર થતાં ‘હું ચૂંટણીમાં જીતી ગયો, તમે શું ઉખાડી લીધું તેમ કહી ગાળો આપી હતી.

જે બાદ સરઘસમાં રહેલાં ભીમા પરમારના સમર્થકો અને કાર્યકરો સહિતના ૫૦ જેટલાં માણસોનાં ટોળાંએ બાલીબેનના ઘરે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અને હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ ઉપરાંત ઘર પાસે પડેલાં ચારેક જેટલાં વાહનોમાં પણ તોડફોડ કરી હતી. અને પથ્થરમારા અને લાકડીઓ વડે હુમલો કરતાં ત્રણ લોકોને ઈજા પણ પહોંચી હતી. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.