કેન્દ્રની યોજના હેઠળ ગુજરાતમાં ૨ મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે

9

ટેક્સટાઇલ અને એમએસએમઇ માટે ૧૫૦૦ કરોડની જોગવાઇ

ભરૂચમાં બલ્ક ડ્રગ અને રાજકોટમાં મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનશે,બજેટમાં ઉદ્યોગો અને ખાણ વિભાગ માટે રૂ. ૬૫૯૯ કરોડની જોગવાઈ કરાઇ

આજે ગુજરાત સરકારના ૨૦૨૧-૨૨ માટેના બજેટમાં નાણામંત્રી નીતિન પટેલે રાજ્યના ઉદ્યોગો તેમજ ખાણ વિભાગ માટે રૂ. ૬૫૯૯ કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ટેક્સટાઇલ પોલિસી હેઠળ આવતા એકમો માટે રૂ. ૧૫૦૦ કરોડ અને નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની વિવિધ પ્રોત્સાહન યોજનાઓ માટે રૂ. ૧૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

મોટા ઉદ્યોગો માટે રૂ. ૯૬૨ કરોડની જોગવાઈ

નીતિન પટેલે અંદાજપત્રમાં રોજગારી સર્જન કરતાં મોટા કદના ઉદ્યોગો માટે પસંદગીના સેક્ટરમાં સહાય આપવા માટે રૂ. ૯૬૨ કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત રાજ્યમાં કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા સ્વરોજગારી ઊભી કરતી યોજનાઓ માટે સરકારે રૂ. ૫૭૮ કરોડની ફાળવણી કરી છે. બનાસકાંઠા, જામનગર, રાજકોટ, મોરબી, ગાંધીનગર, અમરેલી, પાટણ, આણંદ અને મહિસાગરમાં નવી ઔદ્યોગિક વસાહતો બનાવવામાં આવશે.

બલ્ક ડ્રગ અને મેડિકલ ડિવાઇસ પાર્ક બનાવાશે

મેડિકલ અને ફાર્મા સેક્ટરમાં દેશમાં ગુજરાતનું આગવું સ્થાન છે. આ સેક્ટરને વધુ મજબૂત કરવા માટે ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવામાં આવશે. આ સાથે જ રાજકોટ ખાતે મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનું આયોજન છે.

નાના ઉદ્યોગો માટે ટેસ્ટિંગ લેબ, ક્વોલિટી કંટ્રોલ ફેસેલિટી

રાજ્યના બજેટમાં લઘુ અને નાના કદના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં મદદ મળી રહે તે હેતુથી ક્વોલિટી કંટ્રોલ અને ટેસ્ટિંગ લેબ ફેસેલિટીની કોમન સુવિધા આપવા માટે મિનિ ક્લસ્ટર યોજના અંતર્ગત રૂ. ૧૪ કરોડ આપવામાં આવ્યા છે. આ સિવાય ખાણકામ માટે જરૂરી એન્વાયર્મેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે નાના લીઝ હોલ્ડર્સને પડતી તકલીફને ધ્યાનમાં રાખી ક્લસ્ટર સ્તરે સગવડતા ઊભી કરવામાં આવશે.