કાંકરેજ-શિહોરી હાઇ-વે પર લક્ઝરી બસ પલ્ટી જતાં બાળકનું મોત,સાત ગંભીર રીતે ઘાયલ

14

બનાસકાંઠા માટે ગુરૂવાર અપશુકનિયાળ સાબીત થયો છે. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ-શિહોરી હાઇવે પર લકઝરી બસ પલ્ટી ખાતા અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે વર્ષના બાળકનું મોત થયું છે, જ્યારે સાત મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહૃાો છે. ત્યારે આજે કાંકરેજ તાલુકાના થરા-સિહોરી હાઇવે પર અંબાજી મંદિર નજીક અચાનક લકઝરી બસના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલ્ટી ખાઈ ગઈ હતી. બસ પલટી ખાતા સર્જાયેલ અકસ્માતમાં બે વર્ષના બાળકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું અને અન્ય સાત જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના લોકો, ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની ટિમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડી રાહત કામગીરી શરૂ કરી હતી.