સભાસ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલન વચ્ચે લખપતના શીખ ખેડૂતો સાથે સંવાદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરે એક દિવસીય કચ્છ મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમણે દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલન મુદ્દે બોલ્યા હતા કે દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. આ પહેલાં તેમણે ધોરડોથી વડાપ્રધાન ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક અને સરહદ ડેરીના અંજાર-ભચાઉ વચ્ચે બનનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનો ડિજિટલ શિલાન્યાસ કર્યો હતો.
કચ્છીમાં ભાષણની શરૂઆત કરીને બાદમાં કચ્છ સાથેનાં પોતાનાં સંભારણાં યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૂકંપ સમયે મને ઈશ્વરે કચ્છના લોકોની સેવા કરવાનો અવસર આપ્યો હતો. ભુજ એરફોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, એર કોમોડોર મલુક સિંઘ (વી.એસ.એમ.) ડી.જી.પી. આશિષ ભાટિયા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. ભુજ એરફોર્સ ખાતે આવીને ત્યાંથી હેલિકોપ્ટરમાં ધોરડો પહોંચ્યા હતા.
ભુજ એરફોર્સથી ધોરડો હેલિપેડ ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાએ સ્વાગત કર્યું હતું, જ્યારે વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજી કાફલો ખડેપગે છે. મોદીના આગમન પૂર્વે સભાસ્થળે ડોગ-સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું, જ્યારે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે લખપત નરા ખાતે વસતા શીખ ખેડૂતો વડાપ્રધાનને મળવા ધોરડો સભાસ્થળે પહોંચ્યા હતા.
જ્યારે ધોરડો જતા માર્ગો પર પોલીસ દ્વારા આવતાં તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન આજે 15 ડિસેમ્બરે દિલ્હીથી કચ્છ ખાતે ભુજ એરપોર્ટ પહોંચીને ત્યાંથી હેલિકોપ્ટર મારફત ધોરડો પહોંચ્યા હતા. વડાપ્રધાન અગાઉ 14 ડિસેમ્બરના રોજ આવવાના હતા અને રાત્રિરોકાણ ધોરડો ખાતે કરવાના હતા, પરંતુ તેમના કચ્છ પ્રવાસમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાતાં તેઓ હવે માત્ર પાંચ કલાક જ કચ્છમાં રોકાણ કરશે. ધોરડોના સફેદ રણનો સૂર્યાસ્તનો નજરો નિહાળ્યા બાદ સાંજે 7:30 વાગે દિલ્હી જવા રવાના થશે.