કચ્છના ભીમપુરાના પિતાએ ૧૮ માસનો પુત્ર થાન જાગીરને અર્પણ કર્યો

3

સનાતન ધર્મને જાગૃત રાખવા પહેલ

સામાન્ય રીતે દાતાઓ ધન કે દોલતનું દાન કરે છે પણ નખત્રાણા તાલુકાના ધીણોધર ડુંગર પર ચાલી રહેલી દેવી ભાગવત અને શિવ પુરાણ કથામાં ભીમપુરાના યુવાને પોતાનો ૧૮ માસનો પુત્ર થાન જાગીરની સેવાર્થે અર્પણ કરીને સંકલ્પ સિધ્ધ કર્યો હતો. છેલ્લા ૧૩૬૮ વર્ષથી નાથ પરંપરાની ધજા ફરકે છે અને રબારી સમાજના અનેક સંતો-મહંતો થઇ ગયા છે તેવી થાન જાગીરમાં હાલે મહંત સોમનાથજી દાદાની પ્રેરણાથી ભાગવત કથા ચાલી રહી છે જેમાં નખત્રાણા તાલુકાના ભીમપુરાના ખાંભલા રાજા ગાભા રબારી અને વલુબેન રાજાએ પોતાનો દોઢ વર્ષના પુત્ર ઘનશ્યામને થાન જાગીરના ગાદિપતિને અર્પણ કર્યો હતો. આ વેળાએ માતા-પિતાના ચહેરા પર અનેરો હરખ જોવા મળ્યો હતો.

પિતાના જણાવ્યા મુજબ સંતાનોમાં તેમને ૩ પુત્ર અને બે પુત્રી છે જેમાં નાના દીકરાના જન્મ પહેલાં જ તેમણે નાથ સંપ્રદાયને અર્પણ કરવાનો સંકલ્પ લીધો હતો અને તે સિધ્ધ કરતાં પુત્રને સંતો-મહંતોની હાજરીમાં સોંપ્યો ત્યારે આદેશનાથજીના નાદથી કથા મંડપ ગૂંજી ઉઠ્યો હતો. આ તકે ઉપસ્થિત રબારી સમાજના મોવડીઓ અને મહંતોએ જાગીરને પુત્ર અર્પણ કરીને સનાતન ધર્મ જાગૃત રાખવાની પિતાએ કરેલી પહેલની બિરદાવીને ધન્યવાદ પાઠવ્યા હતા. મહેશનાથજી દાદા, મોજનાથજી બાપુ વગેરેએ બાળ સંતને આશીર્વાદ આપ્યા હતા તેમ રાણા કાના રબારીએ જણાવ્યું હતું. અગાઉ સુરેન્દ્રનગર પાસે આવેલા દૃુધરેજ વડવાળા દેવના સ્થાનકે પણ રબારી પરિવારે પોતાના પુત્રને ધર્મની જગ્યા ઉપર અર્પણ કર્યો હતો.