એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિરુદ્ધ વડોદરા ડીઈઓને પત્ર લખીને દુર કરવા કરાઈ માંગ

55

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં વ્યાપેલા ભ્રષ્ટાચારો હવે બહાર આવી રહૃાા છે. વડોદરા જિલ્લા આચાર્ય શૈક્ષિક મહાસંઘ દ્વારા વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં શાળા વિકાસ સંકુલ-૧માં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતો પત્ર જિલ્લા શિક્ષણાધિકારીને લખતા ખળભળાટ મચી ગયો છે. વડોદરા જિલ્લા આચાર્ય શૈક્ષિક સંઘ દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપો અંગે શાળા વિકાસ સંકુલ-૧ના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રિતીબહેન સંઘવીએ જણાવ્યું હતું કે, મારા ઉપર મૂકવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે. ઇન્સ્પેક્શન દરમિયાન અમારે આચાર્યોને ઠપકો આપવો પડે છે.

જે આચાર્યોને ગમતું ન હોવાથી મારા ઉપર ખોટા આક્ષેપો કર્યાં છે. વડોદરા જિલ્લા આચાર્ય શૈક્ષિક મહાસંઘના દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રિતીબહેન સંઘવી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યાં છે. આક્ષેપમાં જણાવ્યું છે કે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રિતીબહેન સંઘવીના હસ્તકમાં એસ.વી.એસ-૧ વડોદરા ગ્રામ્ય, સાવલી, ડેસર તાલુકાઓની શાળાઓનો સમાવેશ થાય છે. તેઓ ઉચ્ચત્તર પગાર ધોરણની ફાઇલમાં સહી કરવા માટે આચાર્ય પાસે પૈસાની માંગણી કરે છે. આ ઉપરાંત તેઓ શાળા ઇન્સ્પેક્શનમાં પણ નાણાંની ઉઘરાણી કરે છે. શાળાના જી.આર. રજિસ્ટરમાં લાલ પેનથી શેરો મારે છે. અને જી.આર. રજિસ્ટરમાં સહી કરતા નથી.

જી.આર. રજિસ્ટર લઇને ઓફિસમાં બોલાવવામાં આવે છે. શાળાના આચાર્યો સાથે અભદ્ર વર્તન કરે છે. નાની નાની બાબતોમાં આચાર્યોનું અપમાન કરે છે. અગાઉ તેઓ એસ.એસ.વી.માં હતા, ત્યારે પણ તેઓ સામે ફરિયાદો ઉઠી હતી. વડોદરા જિલ્લા આચાર્ય શૈક્ષિક સંઘના અધ્યક્ષ રાજેશ અમીને મહાસંઘ વતી જિલ્લા શિક્ષણાધિકારીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રિતીબહેન સંઘવીને તત્કાલિક એસ.વી.એસ.-૧માંથી દુર કરવામાં આવે અને તેઓના સ્થાને અન્ય એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની નિમણૂંક કરવામાં આવે અને તેઓને એસ.વી.એસ.માં પણ મૂકવામાં ન આવે તેવી માંગણી કરવામાં આવે.