મુખ્ય બજારમાં લોકસંપર્ક, એક મહિલા સંમેલન અને ત્રણ-ત્રણ જાહેરસભાઓને સંબોધન
મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના પોઝીટીવ આવતા તેમને 14 દિવસ સંપૂર્ણ આરામની સલાહ અપાયેલ છે. ત્યારે હવે સીનીયર કેન્દ્રીય મંત્રી અને સૌરાષ્ટ્ર – ગુજરાતની તાસીરથી વાકે સ્મૃતિ ઈરાની તાબડતોબ આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના અનેક વોર્ડમાં પ્રચાર કરશે, સભા સંબોધશે અને પ્રચારદોર સંભાળશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તા.21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. તેમ સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવની યાદી જણાવે છે.
ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના 72 ઉમેદવારોના ચૂંટણી પ્રચારાર્થે આવતીકાલે તા.17-2-2021ના રોજ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાની રાજકોટ આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાની રાજકોટ શહેરમાં લોક સંપર્ક, મહિલા સંમેલન અને ત્રણ સ્થળોએ યોજાનારજાહેરસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમના કાર્યક્રમ મુજબ તા.17ના રોજ સાંજે 5-00 થી 6-00 કલાક દરમિયાન વોર્ડ નં.7માં મુખ્ય બજાર તથા ઢેબર ચોકમાં લોકસંપર્ક કરશે. સાંજે 6 થી 7 કલાક દરમિયાન મવડી પ્લોટ વિસ્તારમાં સ્વામી ગુરુકુળ ચોક સામે બાપા સીતારામ ચોકમાં મહિલા સંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે 7-00 થી રાત્રીના 8-00 કલાક દરમિયાન પી.ડી. માલવીયા કોલેજ પાછળ સ્વામી નારાયણ ચોકમાં આયોજીત જાહેરસભાના કાર્યક્રમમાં, રાત્રે 8 થી 9 સોરઠીયાવાડી સર્કલમાં (પવન પુત્ર ચોક) અને રાત્રે 9 થી 10 કલાક દરમિયાન રેલવે જંકશન પાસે, આંબલીયા હનુમાન ચોકમાં યોજાયેલ જાહેરસભામાં પ્રજાજનોને સંબોધન કરશે તેમ સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવની યાદીમાં જણાવાયું છે.