આટકોટમાં બિલ વગરના યુરિયા ખાતરની ૫૦ થેલી ઝડપાઇ, એક શખ્સની ધરપકડ

9

આટકોટ વિસ્તારમાંથી ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે બિલ વગરના શંકાસ્પદ યુરીયા ખાતરની ૫૦ થેલી ભરેલી યુટિલિટી સાથે કોટડાસાંગાણીના શખ્સને ઝડપી પાડી હતી. ૧૩ હજારની કિંમતનો યુરીયા ખાતરનો જથ્થો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઇ એ.આર.ગોહીલ તથા પીએસઆઇ એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ જસદણ-આટકોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન જસદણથી આટકોટ તરફ આવતી યુટિલિટીમાં બિલ વગરનો શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો ભરેલો હોવાની બાતમીના આધારે આટકોટમાં જસદણ ચોકડી પાસે વોચ ગોઠવી હતી.

જસદણ ચોકડીએ પસાર થતી મહિન્દ્રા મેક્સી યુટિલિટીને રોકી તેના ચાલક વિજય મેરુભાઈ ચોરીયા પાસે ગાડીમાં ભરેલા ખાતરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવાનું કહેતાં તેની પાસે કોઈ આધાર પૂરાવા ન હોવાથી પોલીસે ગાડીમાં ભરેલો કૃમિકો યુરીયાનો ૪૫ કિગ્રાની ૫૦ થેલી તથા યુટિલિટી મળી કુલ રૂ. ૩,૧૩,૩૨૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચાલક વિજય મેરુ ચોરીયા વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.