આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-૨૦

20

મેચ સાંજે ૭-૦૦ વાગ્યે શરૂ થશે

ટેસ્ટ શ્રેણી ૩-૧થી પોતાના નામે કર્યા પછી ટીમ ઇન્ડિયા હવે ઇંગ્લેન્ડ સામે ૧૨ માર્ચથી પાંચ ટી-૨૦ મેચની શ્રેણી જીતવા મેદાને ઊતરશે. મેચ સાંજે ૭-૦૦ કલાકે શરુ થશે. ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં છે અને ટી-૨૦માં છેલ્લી સાત શ્રેણીથી અજેય છે. સાથે જ ઇંગ્લેન્ડની ટીમ પાંચ વર્ષથી ભારતને ટી-૨૦ શ્રેણીમાં હરાવી શકી નથી.

ટી-૨૦ ક્રિકેટમાં ભારતીય ટીમ છેલ્લે ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયા સામે બાઈલેટરલ શ્રેણીમાં હારી હતી. ભારતમાં રમાયેલી આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ ૨-૦થી જીત મેળવી હતી. તે પછી ભારતે વેસ્ટ ઇન્ડિઝને ૨ વાર, જ્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ૧-૧ વાર હરાવ્યું છે. સાઉથ આફ્રિકા શ્રેણી ડ્રો રહી હતી.

ભારતીય ટીમે ઇંગ્લેન્ડને સતત બે બાઈલેટરલ શ્રેણીમાં હરાવ્યું છે. ૨૦૧૭માં ભારતમાં રમાયેલી શ્રેણી ટીમ ઇન્ડિયાએ ૨-૧થી જીતી હતી. તે પછી ૨૦૧૮માં ઇંગ્લેન્ડને તેમના ઘરઆંગણે ૨-૧થી માત આપી હતી. જો ભારત આ વખતે પણ જીતે તો ઇંગ્લેન્ડ સામે શ્રેણી જીતવાની હેટ્રિક થશે.

આ માત્ર બીજીવાર હશે જ્યારે ટીમ ઇન્ડિયા ૫ ટી-૨૦ મેચની બાઈલેટરલ સીરિઝ રમશે. આ પહેલાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે ૨૦૨૦ની શરૂઆતમાં ૫ મેચની શ્રેણી રમી હતી. આઇસીસી વર્લ્ડ ટી-૨૦ને ધ્યાનમાં રાખતા અત્યારે ટીમો વનડેની સરખામણીએ ટી-૨૦ પર વધુ જોર આપી રહી છે. આ વર્ષે ભારતમાં ટી-૨૦ વર્લ્ડ કપ રમાવવાનો છે.

ભારત ભલે જ ઇંગ્લેન્ડ સામે છેલ્લી બંને ટી-૨૦ શ્રેણી જીત્યું હોય, પરંતુ તે પહેલાંની ચારમાંથી ત્રણ શ્રેણી ઇંગ્લેન્ડ જીત્યું હતું. એ ત્રણેય શ્રેણીમાં ૧-૧ મેચ જ રમાઈ હતી. ૨૦૧૨માં બે મેચની શ્રેણી ૧-૧થી ડ્રો રહી હતી. મતલબ કે જો ભારત આ શ્રેણી જીતશે તો ત્રણ શ્રેણી જીતવાના મામલે ઇંગ્લેન્ડની બરાબરી કરશે.

પ્રથમ ટી૨૦ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઇલેવન:-

રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્ર્વર કુમાર, શાર્દુલ ઠાકુર, દિપક ચહર.