અમરેલીના લાઠી રોડ પર વૃંદૃાવન પાર્ક-૩માં રહેતા મૂળ લીલીયાના જીતુભાઈ ફુલજીભાઈ પટેલ નામના ખેડૂતે સાવરકુંડલાના શિવાજીનગરમાં રહેતા અનક ભાયાભાઈ ખુમાણ પાસેથી ૪૦ લાખ રૂપિયા ૫ ટકાના વ્યાજે લીધા હતા. જીતુભાઈએ દર મહિને ૨ લાખ રૂપિયા વ્યાજ આપી આઠ મહિના સુધીમાં ૧૬ લાખ રૂપિયા ખાલી વ્યાજ આપ્યું હતું.
છતાં વ્યાજખોરે તેનો પીછો ન છોડી ૮૦ લાખ જેવી રકમ વસુલવા ધાકધમકી આપી જીતુભાઈની ૩૨ વીઘા જમીન પડાવી પાડી છે. આ અંગે જીતુભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર અનકની ધરપકડ કરી લીધી છે. જો કે, પોલીસે અનકનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. આરોપી અનક હાલ અમરેલીની સિવિલ હોસ્પિટલની કોવિડ-૧૯ વોર્ડમાં સારવાર હેઠળ છે.
સાવરકુંડલા પોલીસે અનક વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અનકે આ અગાઉ કોને કોને વ્યાજે પૈસા આપ્યા છે અને કેટલા ટકાએ આપ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો અનક કોરોનાની સારવાર હેઠળ હોવાથી પોલીસ તેનો રિપોર્ટ નેગેટિવ આવે તેની રાહ જોઈ રહી છે. કોરોનામાંથી બહાર નીકળે ત્યારે પોલીસ અનકની વધુ પૂછપરછ હાથ ધરશે.