પાલડી વિસ્તારમાં રહેતા બેંક મેનેજર જ સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. આ મેનેજર ક્રેડિટ કાર્ડનું ૫,૩૦૦ રૂપિયાનું બિલ ઓનલાઈન ચૂકવવા જતા ઠગબાજનો ફોન આવ્યો અને પેમેન્ટ ન મળ્યું હોવાનું કહી તે પરત મોકલશે કહીને તેમના એકાઉન્ટમાંથી જ ૩૪,૯૦૦ રૂ. ચાઉં કરી લીધા હતા. મેનેજર છેતરાયા બાદ ફોન કરનારને પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા સામે વાળાએ થાય તે કરી લેવાનું કહીને ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો.
શહેરના પાલડીમાં શાંતિવન રોડ પર આવેલા આશીર્વાદ ફલેટમાં રહેતા વૈભવ શાહ ખાનગી બેક્ધની જોધપુર શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત સપ્ટેમ્બર માસમાં તેઓને ક્રેડિટ કાર્ડનું ૫,૩૭૨ રૂપિયા બિલ ભરવાનું હતું. આ પેમેન્ટ તેઓએ એપ્લિકેશન મારફતે કર્યું હતું. જોકે, ૨૬મીએ બેક્ધ તરફથી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ન ભર્યું હોવાનો મેસેજ વૈભવ ભાઈને આવ્યો હતો. બાદમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં ટ્રૂ કોલર એપ્લિકેશનમાં ફોન પે સીએસ લખ્યું હતું. જેથી તે નંબર પર વૈભવભાઈએ વાત કરી તો સામે વાળી વ્યક્તિએ કહૃાું કે, તેમણે જે પેમેન્ટ કર્યું હતું તે થયું ન હોવાથી તેઓએ તે પેમેન્ટ પરત લેવું પડશે.
જેથી વૈભવભાઈએ પૂછ્યું કે હવે તેમને શુ કરવું પડશે? ફોન કરનાર વ્યક્તિએ ક્યુ.એસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. બાદમાં પાસવર્ડ માંગી પૈસા પરત આપી રહૃાો છું તેમ જણાવ્યું હતું. જોકે, ગણતરીના સમયમાં ૩૪,૯૦૦ રૂપિયા ઉપડી જતા વૈભવભાઈએ ફોન કરનારને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા સામેની વ્યક્તિએ ’જે થાય તે કરી લે’ તેમ કહી ફોન સ્વીચ ઑફ કરી નાખ્યો હતો. આ મામલે તાત્કાલિક સાઇબર ક્રાઇમનો સંપર્ક સાધ્યા બાદ હવે વૈભવભાઈએ પાલડીમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.