અમદાવાદ રિવરફ્રન્ટ પર છેડતીની ઘટનાઓને કંટ્રોલ કરવા પોલીસનો એક્શન પ્લાન તૈયાર

છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પર બની રહેલા અત્યાચારના કિસ્સાઓ સામે અમદાવાદ પોલીસ એકશનમાં આવી છે. ખાસ કરીને અમદાવાદ રિવરફ્રન્ટ પર બનતી આવી ઘટનાઓ સામે અંકુશ લાવવા માટે અમદાવાદ પોલીસે એકશન પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત હવે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર ૪ નાની પોલીસ ચોકીઓ બનાવવામાં આવશે. જ્યાં મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે અને મહિલા પોલીસ કર્મીઓ ઇ- સ્ફુટી પર પેટ્રોલીંગ કરશે. અમદાવાદમાં સાબરમતી નદીના બંને કાંઠે રળિયામણો રિવરફ્રન્ટ છે. અંદાજે ૮ કિલોમીટરમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છાશવારે મહિલાઓની છેડતી કે અત્યાચારની ઘટના સામે આવતી હોય છે. આ ઉપરાંત સિનિયર સીટીઝન્સ હુમલા અને બાળકો પર અત્યાચારની ઘટનાઓ સામે હવે અમદાવાદ પોલીસે એકશન પ્લાન બનાવ્યો છે.

જે અંતર્ગત અમદાવાદ પોલીસ સાબરમતી રિવરફ્રન્ટ પર ચાર મહિલા પોલીસ ચોકીઓ બનાવવાનું આયોજન કર્યું છે. આમ તો રિવરફ્રન્ટના બંને છેડે રિવરફ્રન્ટ પૂર્વ અને રિવરફ્રન્ટ પશ્ર્ચિમ બે પોલીસ સ્ટેશન છે જ. પણ આ મહિલા પોલીસની વધારાની ચાર ચોકીઓ પણ બનશે. જેથી કોઈ પણ મહિલા કે સિનિયર સિટીઝન્સને મદદની જરૂર હોય તો પોલીસ મદદ માટે પહોંચી શકે. આ ઉપરાંત ૮ મહિલા પોલીસ કર્મીઓ ઇ સ્ફુટી પર રિવરફ્રન્ટ પર પેટ્રોલીગ કરશે. તેવી જ રીતે જે પ્રકારે ફાયર વિભાગની બે બોટ નદીની અંદર ફરી રહી છે. તેવી જ રીતે પોલીસની બે બોટ પણ નદીની અંદર પેટ્રોલીંગ કરશે.

આવી જ રીતે બંને રિવરફ્રન્ટ તરફ એક એક ગોલ્ફ કાર પણ પેટ્રોલીગમાં તૈનાત રહેશે.આ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, રિવરફ્રન્ટ પર મહિલા સુરક્ષાને લઈ જે આયોજન કરાયું છે જેના માટે વુમેન્સ સેફટીનો એક ખાસ લોગો NID દ્વારા બનાવવામાં આવ્યો છે. જેનું લોન્ચિંગ ગૃહમંત્રી પ્રદીપિંસહ જાડેજાના હસ્તે કરવામાં આવશે. આ લોગો મહિલા સુરક્ષા માટે કાર્યરત પોલીસની સી ટિમના વાહન પર પણ લાગશે. મહત્વનું છે કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે અલગ અલગ ૧૮ લેયરમાં બદલાવ કરવામાં આવી રહૃાા છે.