ચૂંટણીઓમાં નેતાઓને આપી તમામ છૂટ
ગુજરાતમાં છ મનપાની ચૂંટણીમાં પોલીસે તમામ નીતિ નિયમો નેવે મૂકીને રાજનેતાઓનો ખુલ્લી છૂટ આપી હતી. નેતાઓ મનચાહે તેમ રેલીઓ કરતાં અને ભીડ ભેગી કરતાં. એક પણ નેતાએ સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કના નિયમનું પાલન કર્યું ન હતું. તેમ છતાં પોલીસ દ્વારા ચૂંટણી સમયે કોઈપણ નેતા સામે પગલાં લેવામાં આવ્યા ન હતા. અને ચૂંટણી ટાણે પોલીસે નાગરિકોને પણ હેરાન કર્યા ન હતા. પણ હવે જેવી ચૂંટણી પતી અને લોકોનાં વોટ લઈ લીધા પછી પોલીસે લોકો પર નિયમોને લઈ તવાઈ બોલાવી છે. અને હવે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવ બની રહૃાા છે. અમદાવાદમાં માસ્ક મુદ્દે પોલીસે માર માર્યો હોવાનો આરોપ એક યુવકે લગાવ્યો છે. જે બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
અમદાવાદમાં એરપોર્ટ પર માસ્ક મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો કિસ્સો સામે આવ્યો છે. માસ્ક બાબતે એરપોર્ટ પાસે ઉભેલી પીસીઆર વાને એક યુવાનને અટકાવ્યો હતો. અને તેઓની વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ પોલીસે માર માર્યો હોવાનો યુવકે આરોપ લગાવ્યો હતો. યુવકને માર મારતાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. અને લોકોએ પીસીઆર વાનનો ઘેરાવ કર્યો હતો. અને લોકોએ પોલીસકર્મીઓની સામે કાર્યવાહીની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પોલીસનું આ વલણ પ્રજાને સહેજ પણ પસંદૃ આવી રહૃાું નથી. ચૂંટણી સમયે નેતાઓ સામે ઘૂંટણિયે પડી જનાર પોલીસ પ્રજા સામે શૂરી બની રહી છે. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પોલીસે ઉપરથી સૂચના મળ્યા બાદ એક પણ નાગરિકનો માસ્ક બાબતે મેમો ફાડ્યો ન હતો. પણ ચૂંટણી પત્યા બાદ જ પોલીસની કામગીરીએ અનેક લોકોનાં મનમાં સવાલ ઉભા કરી દીધા છે. અને પોલીસની છાપ પર ખરાબ અસર પડી છે. શું ગુજરાતમાં પોલીસ રાજકીય ઈશારાઓ પર જ કામ કરતી રહેશે?