અમદાવાદના વાડજમાંથી મહિલાઓની પીછો કરી તેમની છેડતી કરતાં યુવાનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવાનની હીંમત એટલી હતી કે તે સરેઆમ બધાની વચ્ચે યુવતીઓની છેડતી કરતો હતો અને કોઈપણ ડર વગર તેના ઘરે જઈને હાથ પકડી લેતો હતો. જે બાદ કંટાળેલી યુવતીએ રોડસાઈડ રોમિયો સામે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદના વાડજમાં રહેતી યુવતીઓ અને મહિલાઓની પીછો અને છેડતી કરતાં યુવક સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વાડજ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી તેના મિત્રો સાથે તેના ઘર પાસે પકોડી ખાવા ઉભી હતી. દરમિયાનમાં એમ.પીની ચાલીમાં રહેતો રાજેશ ઉર્ફે રાજુ તપોધન ત્યાં આવ્યો હતો અને હાથ પકડી ગંદા ઈશારા કરવા લાગ્યો હતો. યુવતીએ તેને જતાં રહેવાનું કહેતાં બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.
બપોરે યુવતીના ઘર સામે આવી અને ઈશારા કરવા લાગ્યો હતો. રાતે યુવતીના માતાપિતા કામથી બહાર ગયા હતા અને યુવતી ઘરે એકલી હતી ત્યારે રાજેશ ઉર્ફે રાજુ ઘરમાં આવ્યો હતો અને અને હાથ પકડી તેની તરફ ખેંચી લીધી હતી. યુવતીએ બૂમાબૂમ કરતાં રાજેશ ફરાર થઈ ગયો હતો. રાજેશ આસપાસમાં અને ચાલીમાં રહેતી યુવતીઓ અને મહિલાઓનો પીછો અને છેડતી કરતો હતો. જેથી છેવટે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરતાં પોલીસ આવી હતી. અને આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી.