અમદાવાદમાં બિરયાનીમાં બોટી ઓછી આવતા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ આશ્ર્ચર્યજનક ઘટના અમદાવાદના અમરાઇવાડી વિસ્તારની છે. જ્યાં ઇંડાની દુકાનેથી બિરીયાનીમાં બોટી ઓછી આપતા બે યુવકો પર છરી વડે હુમલો કરવાની હચમચાવનારી ઘટના સામે આવી છે. ઇંડાની દુકાનેથી બિરીયાની લઇ ગયા બાદ ૩ લોકો દુકાને પરત આવ્યા હતા. અને ઇંડાની દુકાનમાં કામ કરતા યુવક સાથે બિરીયાનીમાં કેમ બોટી ઓછી આપી તેમ કહી ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો અને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે અમરાઇવાડી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દિપક ગૌંડા નામનો યુવક હાટકેશ્ર્વરમાં ઇંડાની દુકાન ઉપર નોકરી કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે બપોરે નાવેદ આલમ સલીમ શેખ બિરીયાની પાર્સલ કરાવવા આવ્યો હતો અને ત્યાંથી બિરીયાની લઇ જતો રહૃાો હતો. ત્યારબાદ અડધો કલાક બાદ નાવેદ તેનો મિત્ર સોનુ અને અમસાદ ઉર્ફે બટલર ત્યાં આવ્યા હતા અને દિપકને કહેવા લાગ્યા હતા કે, તું કેમ મને બિરીયાનીમાં બોટી ઓછી આપે છે? આટલું કહૃાા બાદ બોલાચાલી શરૂ કરી હતી. જેથી દિપક સાથે કામ કરતો રીઝવાન વચ્ચે પડ્યો હતો. તેણે કહૃાું હતું કે, અમે વધુ બોટી આપી દઇએ છીએ વાત પુરી કરો.
આ દરમિયાન ઉશ્કેરાયેલા સોનુએ રિઝવાનને ચાકુનો ઘા માર્યા હતા. જેથી રિઝવાન લોહીલુહાણ થઇ ગયો હતો. ત્યારબાદ તેને છોડાવવા દિપક પર ત્રણેએ ભેગા મળી ચાકુથી હુમલો કર્યો હતો. તેથી દિપક અને રિઝવાન નીચે પટકાયા હતા. ત્યારબાદ ત્રણે ત્યાંથી પલાયન થઇ ગયા હતા. ગંભીર હાલતમાં દિપક અને રિઝવાનને શહેરની એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે અમરાઇવાડી પોલીસને જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.