અમદાવાદમાં નશીલી કફ સીરપના જથ્થા સાથે એક ઇસમની પોલીસે કરી ધરપકડ

46

નશીલી કફ સીરપના જથ્થા સાથે એક આરોપીની દૃાણીલીમડા પોલીસે ધરપકડ કરી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ નશીલી કફ સીરપનો જથ્થો આરોપીએ પોતાના મકાનમાં રસોડામાં છુપાવ્યો હતો અને તે જથ્થો છૂટક રીતે લોકોને તથા મેડીકલ સ્ટોરમાં આપવાનો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે તે વિસ્તારમાં રહેતો એક શખસ પોતાના ઘરેથી નશાનો કાળો કારોબાર ચલાવી રહૃાો છે. જેથી દાણીલીમડા પોલીસની ટિમ જે તે સ્થળે પહોંચી હતી. ત્યાં નશાનો વેપાર કરનાર આરોપી વલી મહોમદ પરમાર મળી આવ્યો હતો.

આરોપી તેના પરિવાર સાથે દાણીલીમડામાં રહે છે. પોલીસે બાતમીના આધારે ઘરમાં સર્ચ શરૂ કર્યું તો મકાનના રસોડા માં અનેક પુઠાના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાં જોયું તો કોડેક કફ સીરપની ૯૬૦ બોટલો હતી. આ બાબતે આરોપી પાસે લાયસન્સ માગતા તેની પાસે કોઈ કાયદેસરની પાસ પરમીટ નહોતી. જેથી આરોપી સામે પોલીસે એનડીપીએસનો ગુનો નોંધી લાખો રૂપિયાની કફ સીરપનો જથ્થો કબ્જે કર્યો હોવાનું દાણીલીમડા પીઆઇ એમ એમ લાલીવાલાએ જણાવ્યું હતું. આરોપી આ જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછતાં તેણે ગેરકાયદે રાજસ્થાનથી આ માલ લાવ્યો હોવાની કબૂલાત કરી છે.

રાજસ્થાનના છગન મારવાડી નામના વ્યક્તિ પાસેથી તે આ કફ સીરપનો જથ્થો લાવ્યો હતો. પૂર્વના અનેક વિસ્તારોમાં છૂટક વેચાણ કરવા અને અમુક મેડિકલ સ્ટોરમાં આ જથ્થો આપતો હોવાની કબૂલાત કરી છે. આરોપી પાસેથી પોલીસે કફ સીરપ નો ૯૬૦ બોટલનો ૧.૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. જોકે આગમી સમયમાં રાજસ્થાનના છગન મારવાડીની ધરપકડ બાદ અનેક ખુલાસા થવાની પણ શકયતા છે.