અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી ચૂક્યા છે. શિયાળામાં કોરોના કેસો વધશે તેવી અગાઉ જ આગાહી તબીબી આલમ કરી ચૂક્યું હતું. ત્યારે અમદાવાદમાં આવેલા ગીતા મંદિર એસટી બસ સ્ટોપ પર મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર તો બીજી તરફ આ સાથે જ સોશિયલ ડિસ્ટનસિંગનો અર્થ જ ના જાણતા હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહૃાા છે. એસટી સ્ટેન્ડના પ્રવેશ દ્વારથી પ્રવેશ કરતાં એકપણ વ્યક્તિનું ટેમ્પરેચર તપાસવામાં આવતું નથી. માસ્ક વિના કોઇ પ્રવેશો તો પણ તેમને અટકાવવા માટે કોઇ વ્યવસ્થા નથી. એસટી સ્ટેન્ડની અંદરની તરફ તો સોશિયલ ડિસ્ટનિંસગ શબ્દ તો મજાક બનીને રહી ગયો છે.
અગાઉ બે ખુરશી વચ્ચે એક ચોકડી મારવામાં આવી હતી એ પણ ભૂંસાઈ ગઈ, જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી જતા દ્રશ્યો જોવા મળે છે. એસટી સ્ટોપમાં રામ રાજ્ય અને પ્રજા સુખી બની જેવો ઘાટ જોવા મળી રહૃાો છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એસડી સ્ટેન્ડ પાસે કોરોના ટેસ્ટીંગ માટે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ અહીં માત્ર બે કલાક જ ટેસ્ટીંગ થાય છે. ટેસ્ટીંગ ડોમમાં સવારે ૯ વાગ્યે કર્મચારીઓ પહોંચે છે પણ ટેસ્ટીંગ કીટની રાહ જોવામાં સમય વિતાવે છે. ટેસ્ટીંગ કીટ મળ્યા બાદ માત્ર ૨ કલાક જ ટેસ્ટીંગ કરવામાં આવે છે. અમદાવાદના ગીતા મંદિૃર એસટી સ્ટોપ પર કોઈ મુસાફર આવે તો ૧૦ પહેલા અને ૧૨ વાગ્યા પછી ટેસ્ટિંગ ડોમમાં ટેસ્ટ કરાવવું અશક્ય બન્યું છે. પીએમ મોદી પણ કોરોનાથી સાવધાન રહી દેશને તહેવારોની ઉજવણીમાં સંયમ જાળવવાની વારંવાર અપીલ કરી ચૂક્યા છે.
દિવાળી નજીક આવતા શહેરીજનો લાપરવાહ બન્યા હોય તેવા દ્રશ્યો સતત સામે આવતા રહૃાા છે. શહેરીજનો માસ્ક નહિ પહેરે, સોશિયલ ડિસ્ટનિંસગ નહિ જાળવે તો આગામી ૧૦ દિવસ અમદાવાદીઓને ભારે પડે તો નવાઈ નહિ. વિદેશોમાં કોરોનાની બીજા રાઉન્ડ બાદ પણ જો શહેરીજનો નહિ સમજે તો કોરોનાની બીજો રાઉન્ડ અમદાવાદીઓને ભારે પડી શકે છે. તજજ્ઞોના મતે દરેક વાયરસની બે વેવ હોય જ છે, જેમાંથી બીજી વેવ વધુ ઘાતક માનવામાં આવતી હોય છે.
હાલ ઉભી થયેલી સ્થિતિ મુજબ અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી નામાંકિત હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે બેડ મળવા પણ મુશ્કેલ બની ચૂક્યા છે. શહેરની નામાંકિત ખાનગી સહિત સરકારી હોસ્પિટલમાં બેડ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાઈ ચૂક્યા છે. ડોક્ટરોના મત મુજબ, હાલ ફરી એકવાર વધી રહેલા કોરોનાના કેસો એપ્રિલ-મે મહિનામાં અમદાવાદમાં થયેલા કોરોના વિસ્ફોટ તરફ ઈશારો કરી રહૃાા છે.