રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધીમેધીમે ઘટાડો નોંધાઈ રહૃાો છે, તેમ છતાં રાજ્યમાં હજુ કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી. ત્યારે કોરોના વાયરસના એવી સેન્ટર એવા સુરતમાં પાલિકા દ્વારા નવરાત્રી અને દિવાળીમાં કોરોના સંક્રમણ વધવાના ભય સાથે મોટી ચેતવણી જાહેર કરી છે. સુરતના અડાજણ કૃષ્ણકુંજ સોસાયટીમાં ચાર જ પરિવારમા વીસ કોરોના પોઝીટીવ દર્દી મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ દૃોડતી થઇ છે. ઘણા દિવસો બાદ એક જ સોસાયટી અને એક જ પરિવારમાં આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝીટીવ દર્દી મળી આવ્યા છે. લોકો મોટી સંખ્યામાં એકત્ર થશે તો નવરાત્રી અને દિવાળીમાં સક્રમણ વધવાની ચેતવણી પાલિકાએ ઉચ્ચારી છે. રાંદેર ઝોનમાં કોરોનાના કેસ નિયંત્રણમાં રાખવા પાલિકા છેલ્લા બે મહિનાથી મહેનત કરી રહી છે.
કૃષ્ણકુંજ સોસાયટીમાં કોરોનાના કેસની સંખ્યા વધુ હોવાની ફરિયાદ મળતા પાલિકાએ ધન્વંતરી રથ મુકી રેપીડ ટેસ્ટની કામગીરી શરુ કરી હતી. સોસાયટીના રહીશોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવતા ફકત ચાર જ ઘરમાં વીસ વ્યકતિ સંક્રમીત જોવા મળી હતી. પાલિકાએ તાત્કાલીક અસરથી સોસાયટીના તમામ રહીશોને ખાસ તકેદારી લેવા સુચના આપી છે. કોરોના પોઝીટીવ આવેલા મોટા ભાગના લોકો નજીકના મંદિરે જતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આગામી દિવસોમાં નવરાત્રી માટે ભેગા થવાનું વિચારતા લોકો માટે આ દાખલો આંખ ઉઘાડનારો છે. પાલિકાએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની ઉજવણી દરમિયાન લોકો મોટી સંખ્યામાં ભેગા થવાનું ટાળે. લોકો મોટી સંખ્યામાં ભેગા થશે તો સંક્રમણ વધશે. થોડા દિવસોમાં શિયાળો શરુ થશે જેથી એક તરફ કોરોના અને બીજી તરફ ઋતુજન્ય રોગો એવી બંને સ્થિતિ એક સાથે ઉભી થશે.
આ સ્થિતિમાં સંક્રમણનું પ્રમાણ વધશે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, ડાયાબીટીસ, પ્રેસર જેવી બિમારી ધરાવતા લોકોએ ખાસ કાળજી રાખવાની આવશ્કતા છે. ઘણા લોકો બહાર નિકળતી વખતે નાના બાળકોને માસ્ક પહેરાવતા નથી. આ ખુબ ગંભીર બાબત છે. નવરાત્રી અને દિવાળી દરમિયાન કોરોના વાઇરસથી સુરક્ષિત રહેવા શહેરીજનો સરકારે બહાર પાડેલી ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરે.