અંકલેશ્ર્વરની જી.આઈ.ડી.સી.ની જેની ફેબ્રિક કંપનીમાં ૨૩ ફેબ્રૂઆરીએ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જેમાં તસ્કરો ૨ હજાર કિલો સી.આઈ.ગ્રીલની સાથે કુલ ૧.૫૦ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. પોલીસે આ ચોરીને અંજામ આપનારા ૩ આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો અને તેમના પાસેથી ચોરીનો માલ સામાન પણ કબજે કરી લીધો હતો. અંકલેશ્ર્વર જી.આઈ.ડી.સી.માં આવેલી જેની ફેબ્રીક કંપની છેલ્લા ચાર મહિનાથી બંધ છે. જે કંપનીમાં ગત ૨૩મી ફેબ્રુઆરીના રોજ રાત્રે તસ્કરોએ નિશાનો બનાવી હતી.
તસ્કરો કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદીને કંપનીના પ્લાન્ટના શટરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. રાજકોટની સ્મિથ એન્ટર પ્રાઇઝમાંથી મંગાવેલા ૨૫૯૩ કિલો પૈકી ૨ હજારના કાસ્ટ આયર્ન ગ્રીલ મળીને કુલ ૧.૫૦ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે કંપનીના માલિક ગોપાલ રદડિયાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી શોધખોળ હાથ ધરી હતી.
તે દરમિયાન પોલીસે બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા જીતાલી ગામના વિનોદ ઠાકુર,મોહંમદ અલ્તાફ, મોહંમદ શકીલ કુરેશી અને વિકાસ કુશ્ર્વાહને ઝડપી પાડ્યો હતો. ત્યારપછી વધુ તપાસ આદરતા પોલીસે ચોરી થયેલા મુદ્દામાલને કબ્જે કર્યો હતો અને તમામ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.