સ્ટીલ પ્લાન્ટ વેંચી દેવા સામે આજે ‘આંધ્ર બંધ’

આંધ્ર કોંગ્રેસ અને શ્રમિક મંડળોનો આક્ષેપ

કેન્દ્ર સરકારના પગલાના વિરોધમાં કામદાર યુનિયનનો રોષ, સરકાર સસ્તામાં પ્લાન્ટ ખાનગી કંપનીને વેંચી મારવા માંગે છે

વિશાખાપટ્ટનમમાં આવેલો સ્ટીલ પ્લાન્ટ ખાનગી કોર્પોરેટ કંપનીને આપી દેવાની કેન્દ્રની ભાજપ સરકારના વેતરણના વિરોધમાં આજે આંધ્ર બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધના એલાનને પ્રદેશ કોંગ્રેસ, સંખ્યાબંધ કામદાર યુનિયન અને અન્ય સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે.

કામદાર સંગઠનોના ફેડરેશનના મહામંત્રી એજા સારનાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિશાખાપટનમ સ્ટીલ પ્લાન્ટનું ખાનગી કરણ કરવા મથી રહી છે. ખાનગી કરણનો અર્થ એ થયો કે દેશની કિંમતી સંપતી અને મીલકતોનું કોઇ એક કોર્પોરેટ કંપનીને વેંચાણ કરી દેવું. આ નિર્ણયના વિરોધમાં આજે બંધનું એલાન અપાયું છે.

આંધ્રપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ડો.એસ. સૈયજાનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંધના એલાનને કોંગ્રેસનો સંપૂર્ણ ટેકો છે. આ પ્લાન્ટ 1 લાખ કરોડની કિંમતની જમીન છે. જે મોદી સરકાર માત્ર 30 હજાર કરોડમાં કંપનીને વેંચી દેવા માંગે છે. આંધ્રનો આ સ્ટીલ પ્લાન્ટ સમગ્ર પૂર્વ આંધ્ર વિસ્તાર માટે આધાર સીલા જેવો છે.