ભાગેડુ માલ્યાના ભારત પ્રત્યાર્પણ માટેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહૃાા છે: કેન્દ્ર

બ્રિટનમાં માલ્યા વિરુદ્ધ ચાલી રહેલી ગુપ્ત કાયદાકીય કાર્યવાહી અડચણરુપ

બેક્ધોના ૯ હજાર કરોડ રુપિયાના કૌભાંડ કરીને ભાગી જનારા લિકર કિંગ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા આપી હતી. કોર્ટ સમક્ષ કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, માલ્યાને બ્રિટનથી ભારત લાવવાના તમામ પ્રયત્ન કરવામાં આવી રહૃાા છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી એમાં વિલંબનું કારણ બની રહી છે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી સોલિસીટર જનરલ એ વિજય માલ્યાના પ્રત્યાર્પણની સ્થિતિ વિશે રિપોર્ટ દાખલ કરવા માટે સમયની અપીલ કરી હતી. જે પછી કોર્ટે કેસની સુનાવણી ૧૫ માર્ચ માટે સ્થગિત કરી હતી. આ દરમિયાન કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યુ હતું કે, વિદેશ મંત્રાલયે બ્રિટન સરકાર સામે માલ્યાના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો છે અને કેન્દ્ર ગંભીરતાથી માલ્યાને દેશ પરત લાવવા માટે પ્રયત્ન કરી રહી છે.

વિજય માલ્યા ૨૦૧૬થી બ્રિટનમાં છે. તેના પ્રત્યાર્પણ વોરંટ પર સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા અમલ કર્યા પછીથી ૧૮ એપ્રિલ ૨૦૧૭થી એ જામીન પર બહાર છે.

સુપ્રીમ કોર્ટે ગત વર્ષે નવેમ્બરમાં કેન્દ્રને ભાગેડૂ વિજય માલ્યાને ભારત લાવવા વિશે બ્રિટનમાં પ્રત્યાર્પણને લઇને અટવાયેલી કાર્યવાહીની સ્થિતિને લઇને ૬ મહિનામાં રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપ્યા હતા. કેન્દ્રએ પાંચ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વિજય માલ્યાને એ સમય સુધી ભારત પાછો નહીં લાવી શકાય જ્યાં સુધી બ્રિટનમાં ચાલી રહેલી એક ગુપ્ત કાયદૃાકીય કાર્યવાહીનું સમાધાન નહીં થાય. જોકે કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો હતો કે બ્રિટનમાં માલ્યા વિરુદ્ધ ચાલી રહેલી ગુપ્ત કાયદૃાકીય કાર્યવાહી વિશે તેની પાસે કોઇ જાણકારી નથી.