ઐતિહાસિક સ્મૃતિ-સ્થળોને મેઘાણી સર્કિટમાં સાંકળી પ્રવાસન તરીકે વિકસાવવા નિર્ણય

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન સાથે સંકળાયેલા

બજેટમાં જાહેરાત થતા સરકારનો આભર વ્યક્ત કરતા પિનાકી મેઘાણી

મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષની ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળોને મેઘાણી-સર્કીટમાં સાંકળીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તેવી જોગવાઈ અને જાહેરાત ગુજરાત સરકારના વર્ષ 2021-22 અંદાજ-પત્ર (બજેટ)માં કરવામાં આવી છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી માટે રાજ્યકક્ષાની સમિતિના અધ્યક્ષ : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉપાધ્યક્ષ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને મહિલા, બાળ કલ્યાણના રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા તથા પદાધિકારીઓ-અધિકારીઓનોનો ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ હ્રદયથી આભાર માન્યો હતો. પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1869ના ચોટીલાનાએ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયો હતો અને તેમનું નિધન 9 માર્ચ 1947ના રોજ બોટાદ ખાતે સાળંગપુર રોડ-નવનિર્મિત રેલ્વે અંડર-પાસ પાસે આવેલા તેમના નિવાસસ્થાને થયું હતું. અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ રાજપ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરી તેમને ધંધુકાની વિશેષ અદાલતમાં રજૂ કર્યા અને મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવી પોતાના સંગ્રહ સિંધુડોમાંનું દર્દભર્યું ગીત ગાઈને ઉપસ્થિત સહુની આંખો ભીની થઇ. મેઘાણીને 2 વર્ષની કેદની સજા ફરમાવી સાબરમતી જેલમાં રખાયા. આથી, ધંધુકાને તેમની શૌર્ય-ભૂમિ તરીકે મનાય છે. રાજકોટએ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ છે. જીવનના 2 થી 8 વર્ષ તેઓએ રાજકોટમાં વિતાવ્યા હતા. 12 માર્ચ 1930 એ મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી 79 સત્યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરી કરીને 6 એપ્રિલ 1930 ના રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડી સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. તે જ સમયે સૌરાષ્ટ્રના સિંહ તરીકે ઓળખાતા અમૃતલાલ શેઠ આગેવાની હેઠળ ધોલેરા ખાતે પણ સત્યાગ્રહમના મંડાણ થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ નિમિતે મેઘાણીએ રચેલા દેશભક્તિના 15 શૌર્ય ગીતોનો સંગ્રહ સિંધુડો આ અવસરે પ્રસિદ્ધ થયો હતો. જે તમામ સ્થળોને મેઘાણી સર્કીટમાં સાંકળીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે.