સ્માર્ટ સિટીની રેસમાં ફર્સ્ટ આવવા રાજકોટની દોટ, કચરામાંથી હવે વીજળી પેદા કરશે

રાજકોટ શહેરના કચરામાંથી ૧૫ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાએ શરૂઆતી ધોરણે બગીચાઓમાંથી ઉત્પન્ન થતાં કચરાના નિકાલ માટે ખાતર બનાવવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ શાક માર્કેટમાંથી નીકળતા શાકભાજીના કચરામાંથી ખાતર બનાવવા માટે મશીનો પણ વસાવ્યા બાદ હવે મનપાએ ૮૦ ફુટ રોડ ઉપર કચરામાંથી ખાતર અને વીજળી ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ કાર્યરત કર્યો છે અને હવે શહેરભરમાંથી એકઠા થતા કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનું નક્કી કર્યું છે.

રાજકોટ પાલિકા દ્વારા શહેરભરમાંથી એકઠા થતાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો ૧૫ મેગા વોટનો પ્લાન્ટની પીપીપી ધોરણે શરૂ કરવાની કામગીરી આરંભી છે. શહેરભરમાંથી દરરોજ ૬૦૦ ટનથી વધુ કચરો એકઠો કરવામાં આવી રહૃાો છે. આ કચરાના નિકાલ માટે નાકરાવાડી ખાતે ૧૫ મેગા વોટ વિજળી ઉત્પન્ન કરતો પ્લાન્ટ નાંખવામાં આવશે. આ પ્લાન્ટ પીપીપી ધોરણે કાર્યરત કરવામાં આવશે. હાલ પ્લાન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે અને વર્ષના અંતમાં વીજળી ઉત્પન્ન કરવાની કામગીરી પણ શરૂ થઈ જશે. આ સાથે રાજકોટ શહેર સ્વચ્છતામાં દિવસે દિવસે આગળ વધી રહૃાું છે.

જેમાં ગતવર્ષે દેશમાં ૯મો ક્રમ હતો. હાલ બેસ્ટ સેલ્ફ સસ્ટેનેબલ બિગ સીટી એવોર્ડ સાથે ત્રીજો ક્રમ મેળવ્યો છે. ત્યારે પ્રથમ ક્રમ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. જેના ભાગરૂપે શહેરભરમાંથી એકત્ર થતો ૬૦૦ ટન કચરાનો નિકાલ કરવા માટે હાલ કોઈ વ્યવસ્થા નથી. પરંતુ હવે નાકરાવાડી ખાતે ૧૫ મેગા વોટની ક્ષમતાનો પાવર પ્લાન્ટ નાંખવાની તૈયારીઓ આરંભી છે. હાલ તેનું કામ શરૂ થઈ ચૂક્યું છે. આગામી એક વર્ષમાં પ્લાન્ટ કાર્યરત થઈ જશે. અંદાજે ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જેનો તમામ ખર્ચ એજન્સી કરશે. મનપા માત્ર કચરો આપશે.