સુરતના ભટારમાં વિદ્યાર્થીનો એટીએમ કાર્ડ લઈ ભાગવા જતા બે ગઠિયા પૈકી એક ઝડપાયો

ભટાર ચાર રસ્તા સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં મદૃદૃ કરવાના બહાને બેટેકના વિદ્યાર્થીનો એટીએમ કાર્ડ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં વિદ્યાર્થીનો એટીએમ કાર્ડ લઈને ભાગવાની કોશિષ કરતાં બે પૈકી એક ગઠિયાને સિક્યુરીટી ગાર્ડની મદદથી ઝડપી લઈને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ભટાર આર.ડી પાર્ક નજીક શિવના રો હાઉસમાં રહેતો અને બારડોલી ખાતે બીટેકનો અભ્યાસ કરતો તીર્થ હિરેન પટેલ (ઉ.વ. ૨૦) માતા અનીષાબેનનો બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનો એટીએમ કાર્ડ લઇ ભટાર ચાર રસ્તા સ્થિત બેંકના એટીએમ સેન્ટરમાં રોકડ ઉપાડવા ગયો હતો.

પરંતુ બેંકના એટીએમમાં રોકડ નહીં ઉપડતા બાજુના આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં ગયો હતો. જયાં પણ પૈસા ઉપડયા ન હતા પરંતુ ત્યાં અગાઉથી હાજર બે પૈકી એક યુવાને તમારાથી ટ્રાન્જેકશન થતું નહી હોય તો તમારો એટીએમ કાર્ડ મને આપો હું ટ્રાન્જેકશન કરી આપું છે. જેથી તીર્થએ એટીએમ કાર્ડ આપ્યું હતું અને યુવાને ચાલાકી પૂર્વક એટીએમ કાર્ડ બદલવાનો પ્રયાસ કરતા તીર્થની નજર પડી ગઇ હતી. જેથી પોતાનું એટીએમ કાર્ડ પરત માંગતા બંને યુવાનોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી એક ભાગી ગયો હતો અને તીર્થએ બુમાબુમ કરતા બીજો યુવાન સિકયુરીટી ગાર્ડની મદદથી ઝડપાય ગયો હતો.

યુવાને ભાગવા માટે તીર્થ સાથે ઝપાઝપી પણ કરી હતી જેમાં તીર્થને ગળાના ભાગે ઇજા થઇ હતી.ઘટના અંગે તીર્થે તેના પિતા અને પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસ દોડી આવી હતી. પોલીસે ઝડપાયેલા યુવાનની પુછપરછ કરતા તેણે પોતાનું નામ કમલકુમાર બજરંગ સિંહ (ઉ.વ. ૨૪, રહે. જય પ્રકાશ યાદવના મકાનમાં, મહાદૃેવનગર, ગુ. હા. બોર્ડ, પાંડેસરા) અને ભાગી જનાર તેના સાથીદારનું નામ પરદુમ ગોવિંદસિંહ (રહે. વિનાયક નગર, પાંડેસરા) હોવાની કબૂલાત કરી હતી.