સુરતમાં ઘારી લેવા લાગી લાંબી લાઈનો, મોટા વેચાણની સંભાવના

કોરોનાના કારણે આ વખતે મોટાભાગના તહેવારોની ઉજવણી થઈ શકી નથી. ત્યારે ચંદી પડવાની ખરીદી પણ ઓછી થાય તેવી ચિંતા હતી. જોકે, શહેરના મોટા વિક્રેતાઓના મત પ્રમાણે ઘારીની ખરીદીને કોઈ ખાસ અસર થઈ નથી. દર વર્ષે છેલ્લાં ૨થી ૩ દિવસમાં લોકો ઘારી-ભૂસું ખરીદતાં હોય છે. તેની જગ્યાએ આ વખતે સાવચેતી રાખતાં એક અઠવાડિયા પૂર્વેથી જ ઘારીની ખરીદી શરૂ થઈ ચૂકી હતી. આજે સવારથી જ લોકોએ ઘારી લેવા ઉમટી પડ્યા છે. એક અંદાજ પ્રમાણે આજે સુરતીઓ ૬થી ૮ કરોડની ૮૦ ટન ઘારી ઝાપટશે.

આ સાથે ૪૦ લાખના ભૂસાંના વેચાણનો પણ અંદાજ છે. ગત વર્ષે ૬ કરોડથી વધુની ઘારીનું વેચાણ થયું હતું. એકમાત્ર સુમુલ દ્વારા જ ૭૦ ટન ઘારી બનાવવામાં આવી છે. જ્યારે ચોર્યાસી ડેરી સહિતના વિવિધ મોટા ઉત્પાદકો દ્વારા ૨થી ૩ ટન ઘારી બનાવીને તેનું વેચાણ કરવામાં આવ્યું છે. એક અંદાજ પ્રમાણે રવિવારે ચંદી પડવાના દિવસે ૮૦,૦૦૦ કિલોથી વધુની રૂ.૬-૮ કરોડની કિંમતની ઘારીઓ સુરતીઓ ઝાપટી જશે. વધુમાં રૂ.૧૮૦થી ૨૪૦ કિલોએ મળી રહેલા ભૂસુંની પણ ખરીદી યથાવત રહી છે.

૧ અંદાજ પ્રમાણે સરેરાશ ૧ કિલો ઘારી સાથે ૨૫૦ ગ્રામ ભૂસું પણ લોકો ઝાપટશે.એટલે કે ૪૦ લાખ રૂપિયાનું ભૂસું ખવાઈ જશે.રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, નવરાત્રિ સહિતના વિવિધ તહેવારો આ વર્ષે કોરોનાના કારણે ઉજવી શકાયા નથી. આ વર્ષે સુરતના પોતિકા ગણતા તહેવાર ચંદી પડવાની પણ ઉજવણી નિરસ રહે તેવી ચિંતા ખોટી સાબિત થઈ છે.