પદ્મશ્રી ખેડૂત વલ્લભભાઇ મારવાણિયાનું ૯૬ વર્ષની વયે નિધન

ગાજરની ખેતી માટે મળ્યો હતો પદ્મશ્રી

પદ્મશ્રી ખેડૂત વલ્લભભાઈ મારવાણિયાનું ૯૬ વર્ષની વયે નિધન થયું છે. વલ્લભભાઈ મારવાણિયા જૂનાગઢના ખામધ્રોલના વતની હતા અને તેમણે ગાજરની ઉત્તમ ખેતી માટે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. પરંતુ ૯૬ વર્ષની ઉંમરે પદ્મશ્રી મેળવનાર ખેડૂતનું નિધન થયું છે. વલ્લભભાઈ મારવાણીયાનુ નિધન થતાં ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે જૂનાગઢના ખેડૂત વલ્લભાઈ મારવાણિયાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. વલ્લભભાઈએ કોઠાસુઝથી ગાજરના બિયારણની શોધ કરી હતી. ૧૯ વર્ષની વયથી ગાજરની ખેતી સાથે તેઓ સંકળાયેલા હતા.પહેલીવાર ગાજરની ખેતી કરીને તેને શાકભાજીમાં સમાવેશ કરનાર અને માત્ર પાંચ ચોપડી ભણેલા વલ્લભભાઈના પરિવારે સ્વપ્નમાં પદ્મશ્રી એવોર્ડ મળશે તેવુ વિચાર્યું ન હતું.

વલ્લભભાઈનું પાંચ ચોપડી જ ભણેલા હતા, પરંતુ કોઠા સૂઝ ઘણી મોટી હતી. વલ્લભભાઇને પિતાએ ગાજરના વેચાણ માટે લઇ જવાની ના કહી છતાં પણ માર્કેટમાં વેચવા ગયા અને તે જમાનામાં ૨૦ કિલો ગાજરના ૧૨ રૂપિયા મળ્યા ત્યારે પરિવારની સાથે વેચાણની ના કહેતા પિતા પણ વિચાર કરતા થઈ ગયા હતા. બાદમાં ૧૦ વર્ષ સુધી માત્ર ગાજરની ખેતી કરી.

ખેડૂતોમાં ગાજરના બિયારણની માંગ વધતા વલ્લભભાઈએ ૧૯૮૦થી બિયારણ બનાવી વેચાણ શરૂ કર્યું. માત્ર ૧૪ વિઘા જમીન ધરાવતા પરિવાર પાસે ગાજરની ખેતીથી ૧૨૫ વિઘા જમીન છે અને દેશભરમાં વર્ષે ૮ થી ૧૦ ટન મધુવન ગાજરના બિયારણ વેચે છે.