વરાછામાં શખ્સે સિગ્નલ પર અશ્ર્લિલ ઈશારા કરતા મહિલાએ ગાડીનો નંબર નોધી કરી ફરિયાદ

44

શહેરમાં મહિલા અત્યાચારના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. સ્ત્રીઓ પર થઈ રહેલા અત્યાચારને પગલે મહિલાઓમાં ભયનો માહોલ રહે છે. આજે પણ સુરતમાં નોકરી પર જતી મહિલાને જાહેર રસ્તા પર એક કાર ચાલક નબીરાએ અશ્ર્લિલ ઈશારા કરી તેનો પીછો કરી છેડતી કરવાની ઘટના સામે આવી છે. આ મામલામાં પરણિતાએ હોશિયારી વાપરી નબીરાની ગાડીનો નંબર લઈ લીધો અને પતિ સાથે ફરિયાદ નોંધાવી લુખ્ખાને સીધો કરવા આગળ આવી છે. છેડતીના અનેક મામલામાં મહિલાઓ ડરના પગલે પોલીસ સ્ટેશન સ્ટેશન જવાનું ટાળતી હોય છે, જેને પગલે આવા લુખ્ખાતત્વોને વધારે પ્રોત્સાહન મળતું હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં રહેતી મહિલા પોતાની નોકરી પર જતી હતી તે સમયે એક ગાડી ચાલકે આ પરિણીતાને ટ્રાફિક સિગ્નલ પર હોર્ન મારી હેરાન કરવાની સાથે તેનો પીછો કરી રસ્તામાં અશ્ર્લિલ ઈશારા કરી છેડતી કરતા આ પરણીતાએ ગાડીનો નંબર લઈને પોતાના પતિ સાથે પોલીસ મથકે પહોંચી ગઈ અને ગાડી ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી. ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી અને વરાછા મીની બજાર વિસ્તારના વકીલની ઓફિસમાં નોકરી કરતી પરણિતા ગત રાત્રે ૮ વાગ્યે ઓફિસથી પરત ઘરે જઇ રહી હતી. ત્યારે કાપોદ્રા ચાર રસ્તા સ્થિત ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી અવનીએ પણ પોતાનું મોપેડ ટ્રાફિકની વચ્ચે ઉભું રાખ્યું હતું.

તે દરમ્યાન મોપેડની પાછળ કારમાં સવાર યુવાને વારંવાર હોર્ન માર્યા હતા જેથી પરણિતાએ સાઇડ ગ્લાસમાં જોઇ નજર અંદાજ કર્યુ હતું. પરંતુ હોર્ન મારનાર યુવાને પરણિતાનો પીછો કરવાનું શરૂ કર્યુ હતું અને અંદાજે ૪થી ૫ કિલોમીટર સુધી પીછો કર્યો હતો. આ દરમ્યાનમાં મોટા વરાછા માતૃ શ્રી ફાર્મ નજીક અવનીએ મોપેડ ધીમું કરતા કાર ચાલકે ડ્રાઇવરની બાજુના દરવાજાનો કાચ ખોલી અશ્ર્લીલ શબ્દો ઉચ્ચાર્યા હતા, અને અશ્ર્લિલ હરકત કરી તેની છેડતી કરી હતી, જેથી થોડે આગળ જઇ અવનીએ લાઇટના પોલ નીચે મોપેડ ઉભી રાખતા ચાલક કાર હંકારી આગળ નીકળી જતા પરણિતાએ કારનો રજીસ્ટ્રેશન નંબર ડીએન-૦૯ એફ-૨૧૧૨ નોંધી તુરંત જ પતિને જાણ કરી હતી અને ત્યારબાદ અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે આ મામલે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી પકડી પાડવા ચક્રો ગતિમાન કાર્યા છે.