પ્રાંતિજના રામપુરા ચોકડી નજીકથી પંદરેક દિવસ અગાઉ મકાનના પાયામાં દાટી દીધેલી મૌછાની મહિલાની લાશ મળી આવ્યા બાદ પ્રાંતિજ પોલીસે મૃતકની ઓળખ કરીને વિજાપુરના હવસખોર હત્યારાને પણ ઝડપી પાડ્યા બાદ હત્યારાએ દુષ્કર્મ આચરી મહિલા સાથે ઝઘડો થયા બાદ તેની જ સાડીથી ગળે ટૂંપો દઇ હત્યા કરી લાશને મકાનના પાયામાં દાટી દીધાની કબૂલાત કરી હતી. ગત તા. ૨૪-૧૦-૨૦ના રોજ રામપુરા ચોકડી નજીક રામાપીરના મંદિર પાસે બની રહેલ મકાનના પાયામાં દાટેલી ૪૦ થી ૪૫ વર્ષીની મહિલાની લાશ મળતાં ગામના સરપંચ ભગવાનદાસ પૂંજાભાઈ પટેલે પ્રાંતિજ પોલીસને જાણ કર્યા બાદ પોલીસે એ.ડી. નોંધી કહોવાઈ ગયેલ લાશનું ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું.
પ્રાંતિજ પીઆઇ પ્રહલાદસિંહ વાઘેલાએ વિગત આપતાં જણાવ્યું કે મહિલાની ઓળખ માટે અનેક લોકો સાથે વાતચીત કરવા દરમિયાન જાણવા મળ્યું કે મૌછાની મહિલા મંગુબેન ઉર્ફે લીલાબેન અરવિંદસિંહ ચૌહાણ અવારનવાર રામપુરા ચોકડી નજીક જોવા મળતા હતા. જેના આધારે તેમના પતિને બોલાવી લાશના ફોટા બતાવતા હાથ પરના છૂંદણા સહિતની બાબતોને આધારે લાશની ઓળખ થઈ હતી અને લાશનું ફોરેન્સીક પીએમ કરાવતાં ગળે ટૂંપો દઇને મોત નિપજાવ્યાનો રિપોર્ટ આવ્યો હતો. જેને પગલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી.
મંગુબેન ઉર્ફે લીલાબેન ચૌહાણ પંદરેક વર્ષથી પ્રેમ સંબંધને કારણે ઘેરથી નીકળી ગયા હતા અને છેલ્લા બે એક વર્ષથી રામપુરા ચોકડી નજીક અવારનવાર જોવા મળતા હતા. તેમના ગુમ થવાના દિવસે છેલ્લે વિજાપુરનો રામાપીરના મંદિરે મહેશનાથ પબુનાથ નાથબાવા હાજર હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસે તેને પકડી લાવી પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે તા. ૨૨-૧૦-૨૦ ના રોજ રાત્રે મંગુબેન મંદિરે રોકાયા હતા અને તેમની સાથે રાત્રે દસેક વાગ્યે દુષ્કર્મ આચર્યા બાદ ઝઘડો થતાં મંગુબેનની સાડી થી જ ગળે ટૂંપો દઇ મોત નિપજાવી મંદિર નજીક મકાનના ખોદેલા પાયામાં નાખી દઈ ઉપર માટી નાખી લાશ દાટી દીધી હતી.