જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને અન્ય અધિકારીઓની શનિવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતા માં બેઠક મળી હતી. ગાંધીનગર ખાતે મળેલ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે મુખ્ય બે મહત્વ પૂર્ણ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. જેમાં એક છે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ સ્થિત તૈયાર થનાર એઇમ્સ હોસ્પિટલ અને બીજું છે રાજકોટ અમદાવાદ હાઇવે પર હીરાસર ગામ ખાતે બનનાર ઇન્ટરનેશનલ એરપોર્ટ. હાલમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે મહત્વ પૂર્ણ આ બંન્ને પ્રોજેકટ કામ ક્યાં સુધી પહોંચ્યા છે તે અંગે રિપોર્ટ પ્રેઝન્ટેશન કલેકટર રેમ્યા મોહન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી.
બંન્ને પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થયા બાદ કંમ્પાઉન્ડ વોલ કામગીરી શરૂ થઇ ગયેલ છે. આ સાથે બંને પ્રોજેક્ટ સંલગ્ન માર્ગ અને મકાન વિભાગને પ્રોજેક્ટ આસપાસ થતા ૫ મુખ્ય રોડ અને ૨ બ્રિજ કામગીરી ઝડપથી આગળ વધારવા મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે તાકીદે મળેલ બેઠકથી આગામી ટૂંક સમયમાં એઇમ્સ હોસ્પિટલ માટે ખાતમુહૂર્તની તૈયારીઓના એંધાણ જોવાય રહૃાા છે. જેનું ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે તેવી પુરી શકયતા જોવાઇ રહી છે.
રાજકોટ જામનગર રોડ પર આવેલ ખંઢેરી ગામ ખાતે ૨૦૦ એકરની વિશાળ જગ્યામાં ૧૨૫૦ કરોડના ખર્ચે ૭૫૦ બેડની સુવિધા ધરાવતી આધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલ તૈયાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ એઇમ્સ હોસ્પિટલ પ્રોજેકટ ન માત્ર રાજકોટ પરંતુ રાજકોટની સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે મહત્વપૂર્ણ પ્રોજેકટ માનવામાં આવે છે.