અમદાવાદના સરદારનગરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ ઘણા આક્ષેપો કર્યા છે. તેણે સસરા પર તેની છેડતીનો આરોપ લગાવ્યો છે, અને દહેજ માટે દબાણ કરવા પતિ અને અન્ય પરિવારો સામે પણ ફરિયાદ નોંધાવી છે. સરદારનગર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, વાડજમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૬ માં ક્રિશ સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી તેના સાસરે સરદાનગરમાં રહેતી હતી. લગ્નના થોડા દિવસ પછી યુવતીના સાસુ-સસરાએ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું. સાસરિયાઓ ૨૫ લાખ રૂપિયા દહેજ માટે દબાણ કરતા હતા.
યુવતીએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા તેનો પતિ કામના સબંધમાં શહેરની બહાર ગયો હતો. આ દરમિયાન તેના સસરાની નજર તેના પર બગડી હતી. તે ઘરે એકલી સૂતી હતી ત્યારે તેના સસરાએ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, તેમણે બ્લુ ફિલ્મ જોઈ મજા કરવાની વાત કરી.
યુવતીએ આરોપ લગાવ્યો કે સાસુ-સસરાએ તેના માતાના જન્મદિવસ પર પણ તેને જવા દીધાં નથી. જો કે, માર્ચ મહિનામાં યુવતી પિયર દિકરીને લઇ જતી રહી હતી. ત્યારે પતિ ત્યાં આવ્યો હતો અને દિકરીને લઇ જાઉં છું બીજા દિવસે પરત મુકી જઇશ. તેમ કહી દિકરીને લઇ ગયો હતો અને ૧૦ દિવસ સુધી તેને પરત મુકવા આવ્યો ન હતો.
આ દરમિયાન સમાજના લોકો ભેગા થયા હતા અને બન્ને વચ્ચે સમાધાન કરાવતા યુવતી પરત સાસરીમાં આવી હતી. જો કે, પહેલાંની જેમ જ સસરાએ ગંદી હરકતો ચાલુ રાખી હતી અને સાસરીયાઓ હેરાન પરેશાન કરતા હતા. જેથી યુવતીએ આ અંગે પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.