પરિણિતાનું એફબી એકાઉન્ટ હેક કરી બિભત્સ મેસેજ મોકલનાર વિદ્યાર્થી ઝડપાયો

68

સુરતના વરાછા સ્થિત હીરાબાગ વિસ્તારની પરિણીતાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પરિચીતો તથા સોસાયટીના રહીશોને બિભત્સ મેસેજ મોકલવાના પ્રકરણમાં પોલીસે એન્જિનિયિંરગના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. ઓનલાઇન તીનપત્તી રમવાનો શોખીન આ વિદ્યાર્થીએ આ મહિલાના એકાઉન્ટમાંથી પોઇન્ટ ચોરી કરવા માટે એકાઉન્ટ હેક કર્યાનું ખુલ્યું હતુ.

વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ ખાતે રહેતી મૂળ અમરોલી વિસ્તારની ૩૮ વર્ષીય પરિણીતાના ફેસબુક એકાઉન્ટ ઉપરથી ગઇ તા. ૨૪મી એપ્રિલ ૨૦૨૦ને દિવસે સોસાયટીમાં રહેતા કેટલાક પરિચીત વ્યક્તિઓ તથા તેણીના પતિના મિત્રને બિભત્સ મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ અંગે પરિણીતાના પતિના મિત્રે સમગ્ર હકીકતથી તેઓને વાકેફ કર્યા હતા. આ જ પ્રકારની ફરિયાદ સોસાયટીના રહીશો તરફથી પણ મળી હોય ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યાનું બહાર આવતાં મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો હતો.

સાયબર ક્રાઇમ પોલીસે આ પ્રકરણમાં પાસોદરા પાટીયા શ્યામ નગરમાં રહેતાં અને કેમિકલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરતાં ૨૨ વર્ષીય મેહુલ દિનેશ ખૂંટની ધરપકડ કરી હતી. ઓનલાઇન ઉપર તીનપત્તી ગેમ રમવાનો શોખીન આ યુવાને ફેસબુક એકાઉન્ટ ચેક કરતાં આ મહિલાના એકાઉન્ટમાં એક કરોડ પોઇન્ટ હોઇ તે ચોરી કરવા માટે તેની ફેસબુક આઇ.ડી. અને પાસવર્ડ ચોરી લઇ એકાઉન્ટ હેક કરી પોઇન્ટ ટ્રાન્સફર કરી લીધા હતા. જોકે ત્યારબાદ વિકૃતિ સંતોષવા આ મહિલાના એકાઉન્ટમાંથી તેના સંબંધીઓ અને સોસાયટી રહીશોને અશ્ર્લીલ મેસેજ મોકલ્યા હતા. ઇન્સપેક્ટર રણજિતસિંહ વસૈયા વધુ તપાસ ચલાવી રહૃાા છે.