તલોદ તાલુકાના હરસોલના ગૌચરમાંથી ટીંબાવાસની ૪૫ વર્ષીય વિધવાની ૧૫ દીવસ અગાઉ હત્યા કરેલી લાશ મળી આવવાના પ્રકરણમાં સાબરકાંઠા. એસ.ઓ.જી., ડોગ સ્કવોડ, અને તલોદ પોલીસે સ્થળ પરથી મળેલ બંગડીના ટુકડા આધારે પડોશી મહિલાની અટકાયત કરી પૂછપરછ કરતાં મહિલા ભાંગી પડી હતી અને તેના પતિ સાથે વિધવાને આડા સંબંધો હોવાની શંકાને પગલે વિધવાને જંગલમાં લાકડા લેવા ગઇ ત્યારે તેની સાથે ઝઘડો કરી માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી.
હત્યા કરાયેલ સ્થળ પરથી મળેલ બંગડીનો ટુકડો અને પડોશમાં રહેતી મહિલાના હાથની ત્રણ બંગડીઓ પોલીસને એકસરખી જણાતાં ઘટના સમયે ક્યાં હતા ની વિગતો મેળવવા દરમિયાન મહિલા ભાંગી પડી અને તેના પતિ સાથે વિધવાના આડા સંબંધોનો શક રાખી કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યાનું કબૂલ્યું.
ટીંબાવાસમાં રહેતા કાંતાબેન રવિભાઇ તરારના પતિનું દસેક વર્ષ અગાઉ મોત થયું હતુ અને તેઓ એકલા જ રહેતા હતા. ગામમાં તેમની અન્ય બે બહેનો પણ રહે છે તા.૨૪-૦૯-૨૦ ના રોજ સવારે ઘેરથી નીકળ્યા બાદ પરત આવ્યા ન હતા અને તા. ૨૯-૦૯-૨૦ ના રોજ હરસોલ ગામના ગૌચરના ખરાબામાંથી તેમની લાશ મળી હતી. જેનુ ફોરેન્સીક પીએમ કરાવતાં માથામાં ધારદાર હથિયારથી ઇજા કરી હત્યા કરાઇ હોવાનો અભિપ્રાય મળતાં તલોદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.