મુંબઈના યુવાનને તેની પત્નીએ વડોદરા નજીકના ભાયલી ગામ વિસ્તારમાં બોલાવીને અજાણ્યા ઈસમો દ્વારા મૂઢ માર મારીને ૧૫ હજાર રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી અને સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. પતીએ પત્ની સહિતના શખ્સો સામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ ખાતે રહેતાં અરવિંદ રમેશ ડાંકે હોમગાર્ડમાં નોકરી કરે છે. તેઓનો છેલ્લા ૮ વર્ષથી વડોદરાની ઝોયા પઠાણ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. ૨ મહિના પહેલાં જ અરવિન્દે ઝોયા સાથે લગ્ન કર્યાં હતા.
૨ મહિના લગ્ન ગાળા દરમિયાન પતિ પત્ની વચ્ચે થયેલી નજીવી બોલાચાલી બાદ પત્ની ઝોયા પતિને તરછોડી પરત વડોદરા આવી ગઈ હતી. બાદમાં પતિ અરવિંદ પત્ની ઝોયાને પરત એની પાસે મુંબઈ આવી જવા ખુબ જ સમજાવી હતી. દરમિયાન સોમવારે મોડી રાત્રે મુંબઈથી અરવિંદ તેની પત્ની ઝોયાને લેવા માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો. પત્ની ઝોયાએ મારી બહેનપણીનો જન્મદિવસ હોવાથી પાર્ટી રાખી છે, તેમ કહી વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામથી ગોકુળપુરા તરફ જવાના માર્ગે અવાવરૂ અંધારપટ જગ્યાએ લઈ ગઈ હતી.
જ્યાં અજાણ્યા ઈસમોને બોલાવી પત્ની ઝોયાએ પતિ અરવિંદને બરાબરનો મૂઢ માર માર્યો હતો, જેથી પતિ અરવિંદ અધમુવો થઈ જતા તે ઢળી પડ્યો હતો. જેથી ઝોયા અને સ્થળ પર આવેલા અજાણ્યા ઈસમો અરવિંદ પાસેથી ૧૫ હજાર રોકડા અને એક મોબાઈલ ફોન ઝૂંટવી લઇને નાસી છૂટ્યા હતા. આ અંગેના આક્ષેપ સાથે મુંબઈના હોમગાર્ડ જવાન અરવિંદ ડાંકેએ વડોદરા તાલુકા પોલીસ મથકે પત્ની ઝોયા અને અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે તાલુકા પોલીસે સમગ્ર બનાવ અંગેની આગળની તપાસ હાથ ધરી છે.