પતિએ કઈ હોટલમાં જમવા ગઈ હતી એમ પુછતા પત્નીએ માથામાં સાણસી મારી

43

સામાન્ય રીતે પતિ પત્નીના ઝઘડામાં પતિ-પત્નીને માર મારતો હોવાનું સાંભળ્યું છે, પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા જમીન દલાલને ઝઘડામાં તેની જ પત્નીએ હાથના અંગૂઠામાં બચકું ભરી માથામાં સાણસી મારી દીધી હતી. પતિએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નરોડા વિસ્તારમાં દેવનંદન સંકલ્પ સીટી લેટમાં અનિલ પંડ્યા પત્ની સૂફીયા શેખ ઉર્ફે પ્રિયા અને તેના ત્રણ વર્ષના બાળક સાથે ભાડે રહે છે. તેઓ જમીન દલાલીનું કામકાજ કરે છે. ગુરુવારે રાતે ૧૧ વાગ્યે અનિલ ઘરે આવી પત્ની અને બાળક સાથે જમવા બેઠા હતા ત્યારે અનિલે પત્ની પ્રિયાને પૂછ્યું હતું કે “આજે તું કંઈ હોટલમાં જમવા ગઈ હતી” જેથી પ્રિયાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને બોલાચાલી કરી ગાળાગાળી કરવા લાગી હતી. ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી અનિલના ડાબા હાથે બચકું ભરી લીધું હતું.

અનિલે તેને ધક્કો મારી દુર કરતાં રસોડામાં જઈ સાણસી લઈને આવી હતી અને અનિલના માથામાં મારી દીધી હતી. જેથી તેને માથામાં લોહી નીકળવા લાગ્યું હતુ. ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર કર્યા બાદ તેઓને રજા આપતા અનિલે તેની પત્ની સૂફીયા શેખ ઉર્ફે પ્રિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.