ગર્લફ્રેન્ડની બીજે સગાઈ થઈ જતા ગુસ્સે થયેલા પ્રેમીએ સળગાવ્યુ બાઈક

39
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

પુણામાં સાળીના પ્રેમીએ બનેવીના મકાનમાં આગ લગાડવાની કોશિશ કરતા ચકચાર મચી ગઇ હતી. જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલને આગ ચાંપી મકાન તરફ ફેંકાઇ હતી, સદ્નસીબે મકાન બચી ગયું હતુ પણ બાઇક સળગી ગઇ હતી. વધુમાં સાળો મારપીટ કરી વારંવાર ધમકી આપતો હોય આખરે સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે પુણામાં સીતારામ સોસાયટી ખાતે રહેતા નારણભાઇ રણછોડભાઇ બલદાણિયા (ઉ.વ.૫૫, મુળ રાજુલા, અમરેલી) જમીન-મકાન લે-વેચનું કામ કરે છે. તેમના દીકરા રવિનું સગપણ વર્ષ અગાઉ આશા નામની યુવતી સાથે થયું હતુ. આશાની મોટી બહેન કિરણનું સગપણ વિપુલ નામ યુવક સાથે થયું હતુ અને તેઓના લગ્ન ડિસેમ્બર ૨૦૨૦માં નક્કી પણ થયા હતા. દરમિયાન રવિ સાળી કિરણને સંજીવ ઉર્ફે સંજય બાંભણિયા નામના યુવક સાથે મિત્રતા હતી. જે અંગે રવિને જાણ હોય તેને વિપુલને આ બાબતની માહિતગાર કર્યો હતો. જેથી વિપુલ લોકડાઉન પહેલાં સુરત આવ્યો હતો અને સંજીવને સમજાવવા જતા તેઓવચ્ચે બોલાચાલી બાદ મારપીટ પણ થઇ હતી.

ત્યારબાદ સંજીવે તેના બે મળતિયા સાથે રવિની વરાછા સ્થિત દુકાને ધસી જઇ ધાક-ધમકી પણ આપી હતી. તા.૧૦મી માર્ચના રોજ વહેલી સવારે સંજીવે તેઓના ઘરે આવી જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલને આગ ચાંપી દીધી હતી, જે બોટલ તેઓના મકાન તરફ ફેંકવાની કોશિશ કરી તો સદ્નસીબે બોટલ બાઇક આડે પડી હતી. મકાન તો બચી ગયું પણ બાઇક સળગી ગઇ હતી. આ રીતે સંજીવ વારંવાર રવિ અને તેમના પરિવારજનોને એલફેલ બોલી ધાક-ધમકી આપતો હતો.

વીસેક દિવસ પહેલાં પણ તેને સંજીવે રવિના પિતા નારણભાઇને ધમકી આપી હતી અને બે દિવસ પહેલાં સંજીવ પ્રેમિકાને લઇ નાસી છૂટયો હતો. જેથી નારણ બલદાણિયાએ ફરિયાદ આપતા પુણા પોલીસે સંજીવ ઉર્ફે સંજય ત્રિકમભાઇ બાંભણિયા (રહે- અંબિકાનગર, સુદામા ચોક, મોટાવરાછા) અને બે યુવકો સામે ગુનો નોંધી તપાસ આદરી છે.