કોર્પોરેટર નીતાએ ૨૫ હજારની સહાયની વાત કરી બીજાના નામે લોન લેવાની કોશિશ કરી

41

કોર્પોરેટર નીતા સાવલિયા અને મળતીયાઓએ મહિલાઓને પ્રધાનમંત્રી તરફથી ૨૫ હજારની સહાય મળશે એવી વાતો કરી તેમની પાસેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મેળવીને તેમના નામે લોન લેવાની કોશિશ કરી છે. આ બાબતે પોલીસ કમિશનર અને કાપોદ્રા પોલીસ મથકે અરજી કરાઈ છે. કાપોદ્રા મમતા પાર્ક સોસાયટીમાં રહેતા કાપડ વેપારી જયેશ ભાલાણીના પત્ની આશાબેને અરજી આપી છે. અરજી મુજબ એકાદ વર્ષ પહેલાં તેમના દીકરાના મિત્રની માતા શિતલબેને આશાબેનને જણાવ્યું હતું કે કોર્પોરેટર નીતા સાવલીયાએ કહૃાું છે

કે પ્રધાનમંત્રી તરફથી ૧૮ વર્ષથી વધુ ઉમરની મહિલાઓને સરકાર તરફથી દર વર્ષે ૨૫ હજારની સહાય મળશે. તે માટે આધારકાર્ડ-પાનકાર્ડ-ફોટો નીતા સાવલિયાને આપવાના છે. આશાબેને તેમની દીકરી, ભાભી વર્ષાબેન અને અસ્મીતાબેને પણ નીતા અને તેના પતિ મહેશને ડોક્યુમેન્ટ આપ્યાં હતા. દસ દિવસ પહેલાં શીતલબેને વર્ષાબેનને ફોન કરીને કહૃાું તે તમારી ફાઈલ આવી છે તેના પર સહી કરવાની છે.તે ફાઈલ જોતા ખબર પડી કે તેમના નામે ૨૫ લાખની મશીનરીને લગતી લોનની પ્રક્રિયા ચાલી રહી છે.

આશાબેનના પતિએ સીએ પાસે તપાસ કરાવતા ખબર પડી તેમની દીકરીના નામે કોઈએ રીટર્ન પણ ભરી દીધા છે.તેમની ફાઈલ જોતા તેમાં ભારેશ શિંગાળા અને નીતા સાવલિયાનું ગેરેન્ટર તરીકે નામ હતું. આશાએ નીતા સાવલિયા, તેના પતિ મહેશ, સીએ કૌશિક સવાણી,નરેન્દ્ર કોટડિયા મોહિત અને ભારેશ શિંગાળા વિરુદ્ધ પોલીસ કમિશનર ,કાપોદ્રા પોલીસ સ્ટેશન,સીઆઈડી અને ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. હજુ ગુનો નોંધાયો નથી.આ બાબતે કોર્પોરેટર નીતા સાવલિયાને ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહતો. નીતા ભાજપની કોર્પોરેટર છે.