એકબાજુ શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. તો બીજી તરફ અભિનેત્રી કંગના રનૌતની નવરાત્રિનો પ્રારંભ કાનૂની કાર્યવાહીથી થયો છે. બાંદ્રા કોર્ટે કાસ્ટિંગ ડાયરેક્ટર સાહિલ અશરફ સય્યદની ફરિયાદ પછી હાલમાં જ કંગના રનૌત અને તેની બહેનની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યા હતા. જેના પર કાર્યવાહી કરતા શનિવારે મુંબઈમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ ઉપર કાર્યવાહી દાખલ કરી છે. હવે તેના ઉપર કંગનાએ પણ જવાબ આપ્યો છે. કંગના રનૌતે નવરાત્રિની ફોટો શેર કરતા શિવસેના ઉપર નિશાન સાધ્યું હતું.
તેણે લખ્યું હતું કે, કોણ કોણ નવરાત્રિ ઉપર વ્રત રાખી રહૃાું છે ? જેમ કે હું પણ વ્રત રાખી રહું છું. તો આ ફોટો આજે ઉજવણીનો છે. આ વચ્ચે મારી વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. લાગે છે કે મહારાષ્ટ્રમાં બેઠેલી પપ્પુ સેનાને મારાથી વધારે લગાવ થઈ ગયો છે. મને આટલી મીસ ન કરો, હું જલદીથી ત્યાં આવીશ. કંગના રનૌતે આ ટ્વિટ દ્વારા એ સંકેત આપી દીધા છે કે તે મહારાષ્ટ્ર સરકારની સાથે મુકાબલો કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે. આ પહેલા કંગના અને શિવસેનાની વચ્ચે વાક યુદ્ધ થયું હતું. કંગનાની ઓફિસમાં બીએમસીએ તોડફોડ કરી હતી. કોર્ટમાં આ મામલાને લઈને સુનાવણી ચાલી રહી છે.
બાંદ્રામાં કરવામાં આવેલી ફરિયાદની વાત કરીએ તો આ એફઆઈઆર મુજબ કંગના અને રંગોલીએ પોતાના ટ્વિટ દ્વારા સાંપ્રદાયિક સદભાવ બગાડવા અને મહારાષ્ટ્ર સરકારનું નામ બદનામ કરવાનું કામ કર્યું છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંગનાએ બોલિવૂડ હિંદુ અને મુસ્લિમ કલાકારોની વચ્ચે મોટો ખાડો બનાવી દીધો છે. તે સતત આપત્તિજનક ટ્વીટ કરી રહી છે. જેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. અને સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો નારાજ થયા છે.