અમદાવાદ પો.ટ્રાફિસ એસએસઆઇ દારૂના જથ્થા સાથે ઝડપાયો

રાજ્યમાં દારૂ પીવા કે વેચવા પર પ્રતિબંધ છે, છતા બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા અથવા ડિલેવરી કરવા અને દારૂની ખેપ મારવા અનેક તરકીબો અજમાવતા હોય છે. પરંતુ, કેટલીએ વખત પોલીસ બુટલેગરોની મનશા પર પાણી ફેરવી દારૂનો જથ્થો ઝડપી પાડે છે, પરંતુ રાજકોટમાં ગઈ કાલે સાંજે રાજકોટ એસઓજી દ્વારા જે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો તેમાં કોઈ બુટલેગર નહીં પરંતુ અમદાવાદ પોલીસનો ટ્રાફિક એસએસઆઈ ઝડપાયો છે. મહત્વની વાત એ છે કે, દારૂના દુષણ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પોલીસની જવાબદારી અને ફરજ હોય છે, ત્યારે એક પોલીસ કર્મી જ દારૂની હેરાફેરીમાં સામેલ હોવાનું સામેલ આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

રાજકોટ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, દારૂની બોટલો ભરેલી કાર સાથે એક શખ્સને વિદ્યાનગર રોડ પરથી પસાર થવાનો છે, એસઓજીની ટીમે વોચ ગોઠવી કાર પકડી લઇ તેમજ આ કારનું પાયલોટીંગ કરી રહેલા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતાં એએસઆઇ સહિત બે જણાને પણ પકડી લઇ ૯ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારૂનો જથ્થો પાયલોટીંગ કરી રાજકોટ હેમખેમ પહોંચાડી દેવા બદલ એએસઆઇને દસ હજાર રોકડા મળતા હતા.

રાજકોટ એસીજીએ વિદ્યાનગર રોડ પરથી સ્વીફટ કાર અને સિયાઝ કાર અટકાયતમાં લેવાઇ હતી જેમાં સિયાઝ કારમાથી દારૂની મોંઘીદાટ બોટલોનો જથ્થો મળતાં તેના ચાલક મહેન્દ્રસિંહ વૈદને પકડી લેવાયો હતો. આગળની સ્વીફટ કારમાં બે શખ્સ હોઇ પુછતાછમાં પોતાના નામ વીરેન્દ્રસિંહ દરબાર તથા કૃણાલ શાહજણાવ્યા હતાં જેમા વીરેન્દ્રસિંહે પોતે અમદાવાદ આઇ ડિવીઝનમાં ટ્રાફિક શાખામાં એએસઆઇ હોવાની ઓળખ આપી હતી. તેણે અને કૃણાલે દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કર્યુ હતું.