જાન્યુઆરીથી દર ત્રણ મહિને રિટર્ન ફાઈલ થશે દર મહિને રિટર્ન ફાઈલ કરવામાંથી મુક્તિ મળશે

ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ નાના વેપારીઓ માટે હવે વધુ સરળ થશે. 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓને રાહત આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અંદાજિત 40 હજારથી વધુ વેપારીઓ કે જેમનું ટર્નઓવર રૂ. 5 કરોડથી નીચે છે તેમને હવે દર ત્રણ મહિને રિટર્ન ભરવાનું થશે અને દર મહિને ટેક્સ ભરવાનો થશે. આ સિસ્ટમ અમલી બનાવતા પહેલા અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે.

ટેક્સચોરી અટકાવવા આ નવી સિસ્ટમ અમલી બનાવવામાં આવી રહી છે. જોઈન્ટ કમિશનર ડી.વી.ત્રિવેદી જણાવે છે કે, જાન્યુઆરીથી આ સિસ્ટમનો અમલ થશે. હાલ આ અંગેનો સર્ક્યુલર બહાર પડાયો છે. પહેલા દર મહિને રિટર્ન ફાઈલ કરવાનું થતું હતું એના બદલે હવે દર ત્રણ મહિને રિટર્ન ફાઈલ થશે. જીએસટીમાં મરજીના આધારે ખોટી રીતે ક્રેડિટ લેતા વેપારીઓ માટે સિસ્ટમ જ લોક થવા લાગી છે. પહેલા વેપારીઓ ફિઝિકલ બિલ રજૂ કરીને ક્રેડિટ લઈ શકતા હતા, પરંતુ આ સિસ્ટમ હવે બંધ થઈ છે. 2 બી સિસ્ટમ અમલી બન્યા બાદ મળવાપાત્ર ક્રેડિટના ડેટા 3 બી માં આપોઆપ દેખાઈ છે અને તેમાં જેટલી ક્રેડિટ દેખાઈ એટલી જ ક્રેડિટ લઈ શકાશે. સિસ્ટમમાં દેખાય એના કરતા વધુ લેવા જશે તો તુરંત જ લાલ કલરનું એક બોક્સ આવી જશે અને કોઈ સુધારો વધારો થઈ શકશે નહિ. આની અસર એ આવશે કે વેપારીઓ જીએસટીઆર 1 નિયમિત ફાઈલ કરતા થશે.