ભારતની પવિત્ર ભૂમિ પર જન્મ લેનાર પ્રત્યેક ધર્મનો વ્યક્તિ માનવતા ભૂલતો નથી તે વાતની પ્રતીતિ કરાવતી હદયસ્પર્શી ઘટના ઉજાગર થઈ છે. વલસાડથી આશરે ૧૫ વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકા ભણવા ગયેલી એક ક્રિશ્ર્ચિયન યુવતી બે વર્ષ ભણી લીધા બાદ નોકરી કરતી હતી. દરમિયાન તેની સાથે નોકરી કરતાં મુસ્લિમ યુવાનનાં પ્રેમમાં પડતાં લગ્ન કર્યા હતા. બાદમાં ખબર પડી કે તે યુવાન પહેલેથી જ પરિણીત હતો.
જેથી બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. મુસ્લિમ યુવાને યુવતીના તમામ દસ્તાવેજો બાળી નાખ્યા હતા. અને વલસાડ સાથે રહેતાં માતા પિતા સાથે એકાદ વાર ફોન પર વાત કરાવ્યા બાદ તે પણ બંધ કરાવી નાખ્યું હતું. નરાધમ પતિએ યુવતીને દોઢેક વર્ષ રાખ્યા બાદ કાઢી મૂકી હતી. ત્યારથી યુવતીનો તેના માતાપિતા સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. એવામાં આઠેક મહિના પહેલાં જોહનીસબર્ગમાં રહેતાં સેવાભાવી મુસ્લિમ ટ્રસ્ટના શોયેબ વલી, સાજીદ ટેલર તથા હફીઝ દાઉદને દાસુના સંપર્કમાં આ યુવતી આવી હતી.
તે સમયે તે માનસિક અસ્વસ્થ હતી અને ભિખારણ જેવી હાલતમાં હતી. ગુજરાતી ભાષા બોલતી હોવાથી તે મૂળ ગુજરાતી હોવાનું ટ્રસ્ટનાં લોકોને લાગતાં તેની મદદ કરવાનું નક્કી કર્યું હતું. જે બાદૃ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને સ્થિતિમાં સુધારો થયો પણ યાદશક્તિ ક્ષીણ થઈ ચૂકી હતી.