બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે જુના એરપોર્ટની NOC માંથી મુક્તિ: હવે ‘સીટ’માં પણ ગગનચુંબી ઇમારતો બની શકશે

બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે જુના એરપોર્ટની NOC માંથી મુક્તિ: હવે ‘સીટ’માં પણ ગગનચુંબી ઇમારતો બની શકશે
બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે જુના એરપોર્ટની NOC માંથી મુક્તિ: હવે ‘સીટ’માં પણ ગગનચુંબી ઇમારતો બની શકશે

રાજકોટના શહેરી વિસ્તારમાં ગગનચૂંબી ઇમારતોના નિર્માણમાં અંતરાળરૂપ જુના એરપોર્ટની એનઓસી મેળવવાનો નિયમ છેવટે રદ થયો છે. કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી રામમોહન નાયડુએ રાજકોટ બિલ્ડર એસોસીએશનની રજુઆતનો ચાર જ દિવસમાં ઉકેલ લાવી દેતા બિલ્ડર લોબીમાં હરખની હેલી સર્જાઇ છે.

આ સમસ્યા ઉકેલાતા શહેરી વિસ્તારોમાં પણ ઉંચાઇની મર્યાદા દૂર થઇ જવા સાથે ગગનચૂંબી ઇમારતો બની શકશે. લાંબા વખતથી અટવાયેલા સંખ્યાબંધ પ્રોજેક્ટોની મંજુરી મળવા લાગવાના સંકેત છે.રાજકોટમાં નવું હિરાસર એરપોર્ટ કાર્યાન્વિત થઇ ગયાને એક વર્ષ જેવો સમય વીતી જવા છતાં જુના એરપોર્ટના ચાર કિલોમીટરના વિસ્તારમાં બાંધકામના નિયંત્રણો યથાવત રહ્યા હતા. જુના એરપોર્ટનું લાયસન્સ પણ રદ થઇ ગયું હોવાથી તેનું એનઓસી ફરજીયાત રાખવામાં આવ્યું હતું.

પરિણામે બિલ્ડરોને પ્રોજેક્ટ પ્લાનમાં જરૂરી ઉંચાઇ જેવી મંજુરી મળતી નહતી. બિલ્ડરો દ્વારા એકાદ વર્ષથી કેન્દ્રમાં રજુઆતો કરવામાં આવતી હોવા છતાં નિવેડો આવતો નહતો પરિણામે સંખ્યાબંધ પ્રોજેક્ટ પ્લાન લાંબા વખતથી કોર્પોરેશનમાં અટવાયેલા હતાં.કેન્દ્રમાં નવી એનડીએ સરકારનું ગઠન થવા સાથે બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ ધ્રુવિક તળાવીયા ગત શનિવારે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુને રૂબરૂ મળ્યા હતા અને વિગતવાર રજુઆત કરી હતી. તેઓએ એક અઠવાડિયામાં સમસ્યા ઉકેલવાની બાહેંધરી આપી હતી.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ ‘વચન પાલન’ કર્યું હોય તેમ પાંચ જ દિવસમાં લાંબા વખત જુની સમસ્યા ઉકેલી નાખી છે. બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે જુના એરપોર્ટની એનઓસીનો નિયમ રદ કરવાનો નિર્ણય લઇને તેની ગેઝેટમાં પ્રસિધ્ધિ પણ કરાવી નાખી છે. તેઓ દ્વારા રાજકોટ બિલ્ડર એસો.ને જાણ કરવા સાથે ઉપપ્રમુખ ધ્રુવિક તળાવીયાને તે પત્ર પણ રૂબરૂમાં સોંપ્યો હતો.

જાણીતા બિલ્ડર ધ્રુવિક તળાવિયાએ આજે વાતચીતમાં કહ્યું છે કે, લાંબા વખતની સમસ્યા છેવટે ઉકેલાઇ છે. જુના એરપોર્ટની એનઓસી ફરજીયાત હોવાના કારણોસર જુના એરપોર્ટની ફરતેના ચાર કિ.મી. વિસ્તારમાં બિલ્ડીંગની ઉંચાઇ મર્યાદાના નિયમો લાગૂ પડતા હતા જે હવે દૂર થઇ જાય છે. શહેરના સીમાડે 20-30 કે 40 માળના પ્રોજેક્ટો મુકાય છે તેવા ગગનચૂંબી પ્રોજેક્ટો સીટી એરિયામાં પણ શક્ય બનશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here